પૃષ્ઠ:Tarlaa.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૧
પાર્ટી.

 મોહનલાલ પાર્ટીઓમાં, એની વ્યવસ્થામાં, ગાયનમાં ઉસ્તાદ લેખાતો અને એવાને મ્હોયે આમ પોતાનાં વખાણ થતાં સાંભળી લીલાના આનંદને પાર ન રહ્યો. રસોઈ કરનારને 'વાહ મજાની બની છે.' એમ કહેનાર ન હોય તો રસોઈ કરવામાં તાલ નથી આવતો. ગાયન ગાનાર કે અસરકારક ભાષણ કરનારને પણ ઉત્તેજન અને પ્રશંસાની જરૂર છે. લીલા આનંદથી ગર્વથી ચોગરદમ જોવા લાગી. એક ખૂણામાં મોહનલાલની જ પત્ની એકી ટશે ત્હેના તરફ જોતી ઉભી હતી. ઇર્ષા, અદેખાઈ, ક્રોધ ત્હેની આંખ ઉપરથી જણાતો હતો. લીલાએ સમજી ન સમજી કરી બીજી તરફ જોયું. તરલાની સાથે વસન્તલાલ એક કોચ ઉપર બેઠો હતો, અને અને એક બાજુ જેને માટે લીલા તલસતી હતી, જેને માટે લીલાની આંખ અકળવકળ ફરતી હતી તે ઉભા હતો. અવિન્દને ના પાડી અને ભૂજંગલાલ આવ્યો હતો તે દિવસથી લીલા ભૂજંગલાલને મળી નહોતી અને ભૂજંગલાલની આંખો મ્હારા તરફ જ છે—મને મળવા ધારે છે એમ ભોળી–પ્રેમઘેલી લીલાને લાગ્યું.

જ્યારથી તરલા નજરે પડી ત્યારથી લીલા તરલાને મળવા ઉત્સુક થઇ હતી. તરલાએ રેશમી ઝીકે ભરેલી સાડી અને ફુલેલી ટુંકી બોંયનો પોલકો પહેર્યો હતો. તરલાની બરફ જેવી સફેદ અને રૂના ગાભા જેવી કોમળ ઉઘાડી ડોકમાં ચાર સેરની મોતીની માળા શોભી રહી હતી. અડધા ઉઘાડા ભરાવદાર નાજુક હાથ કેળના દાંડા જેવા લાગતા હતા. કાનમાં નાની પણ ચળકતા હીરાની પાંદડી ચોગરદમ પ્રકાશ પાડી રહી હતી. તરલાએ મોહનલાલ અને લીલાને સાથે જોયાં હતાં, એણે એમનું ગાયન સાંભળ્યું હતું. મોહનલાલ અને લીલા તરલા પાસે આવ્યાં અને મોહનલાલે જાતીસ્વભાવ પ્રમાણે માંગણી કરી, 'તરલા ! હવે એક ગાયન તમે ગાઓ. ચાલો.'

'નાજી! બનતાં સૂધી જાહેર મેળાવડાઓમાં હું ગાતી નથી અને તેમાં પરપુરૂષો સાથે તો નહી જ.’