પૃષ્ઠ:Tarlaa.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


લીલા ઝબકી ઉઠી ને બોલીઃ 'ના, મારું માથું દુખે છે.'

'માથું શાનું દુખે છે? હું જાણું છું. તરલા અને ભૂજંગલાલ વાત કરે છે તે ખમાતું નથી. ચાલ હવે! એવી અદેખી શું થાય છે? એમ કોઈ કોઈની સાથે વાત ન કરે કે?'

વિનોદ લીલાને બહાર મોટા હોલમાં ઘસડી ગઈ. લીલાના હદયમાંથી તરલા અને ભૂજંગલાલની વાત ખસી. પોતે જ મૂર્ખ છે. એમ બે જણ વાત કરે એમાં શું? હું કેમ મોહનલાલ સાથે ગાવા બેઠી હતી? એમ થયું ને કાંક શાન્તિ વળી.

પરંતુ વિનોદ અને લીલા જેવાં ઓરડામાંથી બહાર નિકળ્યાં કે તરત જ સામે ઈલેકટ્રીક લાઈટના પ્રકાશમાં ધીમી પણ ઈર્ષાળુના હૃદયમાં ઈષિ ઉત્પન્ન કરે એવી વાતમાં ગુલતાન થયેલાં તરલા અને ભૂજંગલાલ દેખાયાં. એમને જોતાં જ લીલાના હૃદયમાં ધડાકો થયો અને તે સાથે જ એના અવયવો ઢીલા થઈ ગયાં.

'તરલા! રીફ્રેશમેન્ટ લઈને જજોને? ચાહ અગર કોફી.'

'ના. તમે જાણો છો કે હું પાર્ટીમાં જતી જ નથી. આજ ઘણો વખતે આવી અને તમારી સાથે જ આટલીએ વાત કરી. વળી કાલે જ મારે જવું છે એટલે આજ અને આવતી કાલના ઉજાગરાથી શરીર બગડે.'

'એટલે ત્હમે કાલે જવાનાં જ કે?'

'એમાં શો શક ? પણ......'

ભૂજંગલાલે 'જવાનાં જ કે' એમ કેમ પૂછ્યું હશે એ શંકા થતાં તરલાને પૂછવાની ઈચ્છા થઈ. પણ ત્હેનામાં હિંમત જ રહી નહીં એટલે ચાહ, કોફીની ચોખ્ખી ના પાડી ચાલી ગઈ.