પૃષ્ઠ:Thag.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨ : ઠગ
 

કેળવાયેલી આંખને ચારે ખૂણે ફેરવવા છતાં મારો ધારેલો શિકાર મારા જોવામાં આવ્યો નહિ. હું ખૂબ રખડ્યો. સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. અંતે હું નિરાશ થઈ એક મોટા પથ્થરની ઓથે આડો પડ્યો. આખો દિવસ રખડવાથી થાક લાગ્યો હતો, અને પથ્થરને છાંયે સૂતાં શીળો પવન લાગ્યો અને મારી આંખો ઊંઘથી ઘેરાઈ.

હું કેટલો વખત ઊંધી ગયો હોઈશ તેની મને ખબર નથી. પરંતુ એ બહુ લાંબો વખત તો નહિ જ હોય; કારણ સૂર્ય આથમ્યા છતાં સંધ્યાનું અજવાળું પૂરતું હતું. ઓથારથી હું દબાયો હોઉં એવી ભયભીત વૃત્તિ સાથે હું જાગી ગયો, અને જોઉ છું તો પંદર હાથ છેટે આવેલી ઝાડીમાંથી બે અંગારા મારી સામે ચમકતા દીઠા. શિકારી આ અંગારાને ઝટ ઓળખી શકે છે. એક જ છલંગે મારો ઘાત કરે એટલે નજીક એક ભયંકર વાઘ મેં ઊભેલો જોયો.

મને સહજ કમકમી આવી. ઠગ લોકોને માત કરનાર સેનાપતિ પરદેશમાં એક વાઘના પંજામાંથી ક્ષણભરમાં મૃત્યુ પામશે અને તેનું શરીર કબરમાં દટાશે પણ નહિ એ ખ્યાલથી હું લાચાર બની ગયો. વાઘ મેં પૂરેપૂરો જોયો. વાઘે પોતાનું ભયંકર પુચ્છ હલાવ્યું; કૂદકો મારવા તૈયારી કરવા તે ભોંયસરખો લપાયો; અને હું લગભગ મારું ભાન ભૂલ્યો !

એકાએક બૂમ પડી : ‘રાજુલ, બસ !’ એ બૂમનો પડઘો વિરમ્યો નહિ એટલામાં તો ફાળ ભરવા તત્પર થયેલો વાઘ પેંતરા ફેરવી ઊભો. પાછો વળ્યો અને અદૃશ્ય થયો. જતાં જતાં તેના ઘર્ઘર થતા ઉચ્ચાર મેં સાંભળ્યા, અને એ ઝાડી પાસેથી જ એક યુવકને મેં મારા તરફ આવતો જોયો. દરમિયાન હું બેઠો થયો. યુવકે પાસે આવી સલામ કરી મને કહ્યું :

‘સાહેબ ! બીશો નહિ. એ તો મારો પાળેલો વાઘ હતો. શિકારની પાછળ આટલે દૂર ચાલી આવ્યા ?’

તેનો કંઠ મને ઘણો મીઠો લાગ્યો. અંગ્રેજો વાઘથી ગભરાય છે એમ તેને લાગવા દેવું મને દુરસ્ત ન લાગ્યું, એટલે મેં જણાવ્યું :

'સારું થયું કે તમારા વાઘને તમે પાછો બોલાવ્યો. આ છરો કાઢવાની તૈયારીમાં જ હું હતો. તમારો વાઘ બચી ગયો છે !’

વાઘને પાળનાર આ યુવકને મારી બડાઈ ખરી લાગી કે નહિ તે હું કહી શકતો નથી. પરંતુ તેણે સહજ હાસ્ય કર્યું અને તે મારી પાસે બેઠો. ચોવીસ-પચીસ વર્ષથી વધારે ઉંમર તેની લાગી નહિ. તેનું મુખ ઘણું જ સુંદર અને નાજુક હતું. તેની સ્વસ્થતા આકર્ષક હતી. જાણે પોતાના ઘરમાં કોઈ ઓળખીતા પાસે તે બેઠો હોય એવી સ્વસ્થતાથી તે બેઠો. હિંદ-