પૃષ્ઠ:Thag.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફાંસાનો અનુભવ : ૯
 

હજી થોડો જ સમય થયો હતો. છેવટે આટલે દિવસે છોકરીની ભાળ મળી ખરી ! તે જીવતી છે એમ જાણી હું રાજી થયો. મારા પુરોગામી અમલદારની પુત્રીને જીવતી શોધવાનું માન હું લઈ શકીશ કે કેમ ? એ ગૌરકન્યાની અહીં શી હાલત થઈ હશે ? તે મૃત્યુ પામી છે એવા સમાચાર શા માટે ફેલાયા કરતા હશે ? આવા આવા વિચારો ઉપરાઉપરી મને આવવા લાગ્યા. મારા પરિચિત યુવકની વાતે મારું ધ્યાન ખેંચ્યું. તેણે અન્ય યુવકને સંબોધીને કહ્યું :

‘હવે તમારી ખાતરી થઈ ?'

‘ખાતરી થાય કે ન થાય, પરંતુ તમારે તેને મોકલ્યા વિના છૂટકો નથી.' નવીન યુવકે કહ્યું.

‘મને બળજોરીથી કોઈ ફરજ પાડી શક્યું નથી. હું તો કોઈની મગદૂર જોતો નથી કે મેમસાહેબને તેમની ઇચ્છા વિરુદ્ધ મારી પાસેથી ખસેડી શકે.' યુવકે જવાબ આપ્યો.

‘આ સંદેશો તમે કોને પહોંચાડો છો તે ખબર છે ?'

‘મને પરવા નથી. જેને એ સંદેશો સાંભળવો હોય તે સાંભળે.' મારા પરિચિત યુવકે કહ્યું.

યુવતીનું માન રહ્યું હતું અને તેની ઇચ્છા સચવાતી હતી. એ જાણી મને સંતોષ થયો. હું મારા હાથને થતું દુઃખ વીસરી આ વાતચીત સાંભળવા એકચિત્ત બન્યો, અને અકસ્માત મારા પગ કોઈએ નીચેથી ખેંચ્યા. મેં પકડેલું જાળિયું મારા હાથમાંથી છૂટી ગયું. હું નીચે પડ્યો અને ભયંકર પરિણામો માટે તૈયાર થવા લાગ્યો. દુઃખ પ્રત્યક્ષ ખડું થાય ત્યારે તેનો ભય જતો રહે છે. મને ખાતરી થઈ કે આ પ્રસંગ સહેલો નથી. પરંતુ તે સાથે જ તે પ્રસંગને ઉચિત બળ અને કળ વાપરવા હું તત્પર થયો અને ઊઠવા લાગ્યો. હું ઊઠી શકું તે પહેલાં તો બે જબરજસ્ત મનુષ્યોએ મને નીચે નાખ્યો અને મારા બંને પગ ઉપર જબરજસ્ત ભાર લાગ્યો. ઠગ લોકો પોતાના ભોગને વીજળીની ઝડપે નીચે નાખી તેના પગ ઉપર ભાર દઈ તેના ગળાને રૂંધી નાખવાની ક્રિયા કરતા હતા. એ વર્ણનો મેં સાંભળ્યાં હતાં. ખરેખર, મારા જેવા સૈનિકને પણ આટલી ત્વરાથી માત કરવાની ચપળતા મેં તેમનામાં કલ્પી ન હતી. જોકે અનેક સૈનિકોને માર્યાના પુરાવા મારી પાસે હતા, છતાં ગોરા સૈનિકને હજી સુધી કોઈ ઠગે હાથ લગાડયો જાણ્યો ન હતો. તેમનો પહેલો ભોગ બનવાની મારી ઇચ્છા ન હતી. હું પ્રયત્નશીલ