પૃષ્ઠ:Thag.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮: ઠગ
 

મહેરબાની બસ છે.’

‘તું ખેડૂત છે ?’

‘હા જી. અહીંનું કામ પૂરું થયે મારે ગામ ચાલ્યો જઈશ.’

‘તારું કામ શું ?’

‘આજ સુધી તો આપની ચોકી કરવાનું કામ હતું.’

'હવે ?'

‘કોણ જાણે ! હાલ તો અમે બધા છૂટા થઈ ગયા.'

‘એટલે ?'

‘આજથી ઠગ મટી ગયા.'

‘એમ ?’

એકાએક બારણું ઊઘડ્યું. અંદરથી સમરસિંહ અને મટીલ્ડા બંને આવ્યાં. મટીલ્ડાની આંખ અશ્રુભરી હતી.

'હવે સાહેબ ! આપને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ છે. આજથી ઠગ લોકોનો ઉપદ્રવ બંધ છે.' સમરસિંહે કહ્યું.

‘અને એવો ઉપદ્રવ કદાચ થાય તો ?’ મેં પૂછ્યું.

‘તો આપ માની લેજો કે એવા ઉપદ્રવને અમારો ટેકો નથી.’

‘મને એમ થાય છે કે તમારા ઉપદ્રવ ચાલુ રહે તો સારું.' સહજ હસીને મેં કહ્યું.

‘કેમ ?'

‘હું કાર્ય વગરનો બની ગયો.’

‘એ તો ઘણું મળશે. આપને હવે તો આખું હિંદ જીતવાનું છે.'

‘એ લગભગ જિતાઈ ગયું છે.’

‘એ જ મોટી ભૂલ થાય છે. તલવાર કે કપટની જીત જોતજોતામાં સ્વપ્ન બની જાય છે.'

‘તમારા હિંદી રાજાઓ કરતાં અમે અમારી રૈયતને વધારે સુખી રાખીએ છીએ.'

‘એ તો વર્ષો બોલી ઊઠશે ને ? હું એટલું જ કહું છું કે આપ માગશો તો કાર્ય ઘણું મળી રહેશે.'

‘કદાચ મળશે. પરંતુ તમારા સરખા સામાવાળિયા અમને નહિ મળે.'

‘એટલે ?'