પૃષ્ઠ:Thag.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ : ૧૮૫
 

સુધી વિકસેલી પ્રાથમિક સંસ્કૃતિવાળી જાતોમાં ગુપ્તજ્ઞાન (Age-grades) વયસમાનતાને અવલંબીને ફેલાય છે. વય એ કુદરત દીધી વિશિષ્ટતા છે, એમાં જરા પણ ના પડાય એમ નથી. અસંસ્કૃત જાતોમાં અને સંસ્કૃત જાતોમાં શરીરવિકાસ એ જ્ઞાનવિકાસની જ ભૂમિકા બની રહે છે. બાળક, કિશોર, કુમાર, યુવાન, પુખ્ત, વૃદ્ધ એવી એવી વય ભેદ ઉપર રચાયેલી ભૂમિકાઓ ઉપર આધાર રાખી જ્ઞાનદીક્ષા આપવાનું કાર્ય (Age-grades) વયશ્રેણીની પ્રથામાં થાય છે.

જ્ઞાન ગુપ્ત રહે છે. એ જ્ઞાન ધrમક્રિયા, જાતિવિષયક અને રિવાજો, યુદ્ધના કોયડા, પૂર્વજના ઇતિહાસ, કાયદા, મંત્રતંત્ર અને દવાદારૂ સંબંધનું હોય છે. યુવાનને અપાતું જ્ઞાન બાળકને ન જ અપાય. મંત્રતંત્ર કે ઔષધિનું જ્ઞાન વૃદ્ધો જેટલા વિચારથી વાપરે તેટલા વિચારથી યુવકો ન વાપરે એ બહુ સંભવિત છે. એટલે જ્ઞાન આપવાનું માપ વયની કક્ષા ઉપર આધાર રાખે છે.

આ જ્ઞાન આપવાની ક્રિયા ગુપ્ત છતાં ધામધૂમ સાથે થાય છે, અને આખી જાતનાં અમુક વયનાં માનવીઓને એકસામટી જ્ઞાનદીક્ષા આપવામાં આવે છે. વ્યક્તિગત જીવન સમાજની સાથે સંબંધ ધરાવતું થાય એવા બધા પ્રસંગોને જ્ઞાનદીક્ષાના પ્રસંગો તરીકે સ્વાભાવિક રીતે ગણવામાં આવે છે.

વયસમાનતાનો આગ્રહ રાખવાથી આ જાતોમાં કુળ કે કુટુંબને લીધે પડી જતા વિભાગોને એકત્રિત રાખવાની કૂંચી જડે છે. આખી જાતના સોળથી અઢાર વર્ષની ઉપરના યુવકોને લશ્કરી જ્ઞાન એકસામટું અપાય એથી કુળભેદ અને કુટુંબભેદ હળવા બની જાય છે, અને વયના સ્વાભાવિક ભેદ વધતા નથી.

વળી પુરુષ અને સ્ત્રી એ બંને વર્ગોને માટે ભિન્નભિન્ન દીક્ષા હોય છે. આપણાં જનોઈ અને લગનમાં પણ દીક્ષા લેનાર જ માત્ર મંત્ર સાંભળે એવી યોજના રાખવામાં આવે છે - જોકે હવે તેનો આગ્રહ જતો રહ્યો છે. ઉપવીત અને લગ્નનાં ક્રિયાકાંડ તરફ હવે માત્ર ઉદાસીનતા જ નહિ પણ અણગમો ઉત્પન્ન થઈ ચૂક્યો છે. વળી આખી કોમની દીક્ષા એક સામટી અપાતી નથી એટલો પ્રાથમિક જાતોના ગુપ્તજ્ઞાનપ્રચાર સાથેનો ભેદ સમજવા સરખો છે. કડવા પાટીદારોમાં પ્રથમ થતાં સમગ્ર કોમનાં બાળકબાળકીનાં લગ્ન આ સ્થળે યાદ કરવા સરખા છે - જોકે એમાં કોઈ ગુપ્તપણું રહેતું નથી. પ્રાથમિક જાતોમાં તો આ બધાં જ સંસ્કારમાં ગુપ્તપણું એ મહત્ત્વનો અંશ છે.