પૃષ્ઠ:Thag.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ : ૧૮૭
 

ચીવટાઈથી વળગી રહે છે, ન હોય ત્યાં લાવે છે, અગર તદ્દન નવી વિચિત્ર ક્રિયાઓ ઉપજાવી ભેદના પડદા અભેદ્ય બનાવ્યા કરે છે.

કોઈ પણ મંડળનો ઉદેશ એ જ હોય કે સમભાવ કે સમભાવનાવાળાં મનુષ્યો ભેગાં થઈ ભાવનાને ફળીભૂત કરે. કેટલેક અંશે એથી સામાજિક અસમાનતા કે આર્થિક અસમાનતા દૂર થાય છે. સાહિત્યમંડળીનો એક સભ્ય અમલદાર પણ હોય અને શિક્ષક પણ હોય, આર્થિક મંડળનો એક સભ્ય બૅન્કનો મેનેજર પણ હોય અને બીજો નાનકડી દુકાન ચલાવતો વ્યાપારી પણ હોય. કેટલાંક મંડળો સમાજ અને રાજ્યને મજબૂત કરે છે; કેટલાંક મંડળોને રાજ્ય કે સમાજનો વિરોધ કરવાનો હોય છે. એક દૃષ્ટાંતથી આ વાત સમજી લઈએ. હિંદી મહાસભા (Congress) કૉન્ગ્રેસ એ કોઈ પણ કાયદાથી નોંધાયલી સંસ્થા હોય એમ જાણવામાં નથી; છતાં એ ગેરકાયદે મંડળ નથી. એને કાયદાએ ન સમાવેલી (Extralegal) સંસ્થા કહી શકાય. સ્થાપિત રાજ્ય વિરુદ્ધ તે ચળવળ કરે છે ત્યારે તે ગેરકાયદે બની જાય છે. પરંતુ નવા હિંદી બંધારણમાં તેણે સત્તા સ્વીકારી એટલે સંરકારવિરોધી સંસ્થા સરકાર પોષક સંસ્થા બની જાય છે. એમાં આખા હિંદ દેશનાં સ્ત્રીપુરુષો આવી શકે છે; એને ધર્મનો બાધ નડતો નથી; ધનવાન અને નિર્ધન સહુ તેના સભ્ય બની શકે છે. અહિંસક ઈલાજોથી સ્વાતંત્ર્ય મેળવવું એ એનો ઉદ્દેશ. અને એ ઉદ્દેશ ધરાવતાં સભ્યો એમાં એકત્રિત બની શકે છે.

રશિયાનો બોલ્શેવિક પક્ષ, જર્મનીનો નાઝી અને ઈટલીનો ફાશિસ્ટ પક્ષ, આવાં રાજ્યને સહાયભૂત થનારાં મંડળોના નમૂના છે. એમાં ગુપ્તપણું નથી; હશે તો તે હવે ચાલ્યું ગયું છે. એક સમયે ચાલુ રાજનીતિનો વિરોધ કરનાર આ મહામંડળો હવે રાજ્યકર્તાઓ આપે છે.

રાજ્ય કે સમાજનો અગર તેમના કોઈ વિશિષ્ટ વિભાગનો જ્યારે સખત વિરોધ કરવાનો હોય ત્યારે મંડળને ગુપ્તપણાનો બહુ જ આશ્રય લેવો પડે છે. ગાંધીજીએ હિંસાને ગાળી કાઢી એટલે ગુપ્તપણાની જરૂરિયાત રહી જ નહિ. પરંતુ કપટ, બળ, જોર, જુલમ, ત્રાસ અને હિંસાથી પોતાના કાર્યની સિદ્ધિ કરવામાં માનનારા અનેક મંડળો અસ્તિત્વમાં હતાં અને હજી છે. હિંદનાં ક્રાન્તિકારી મંડળો આવાં ગુપ્ત મંડળોનું એક રાજકીય સ્વરૂપ દર્શાવે છે.

આવાં ગુપ્ત મંડળો વર્તમાન યુગમાં મોટે ભાગે રાજકીય કે આર્થિક ઉદ્દેશો ઉપર રચાયલાં હોય છે. છતાં એ ભૂલવું ન જોઈએ કે ધર્મ, ધાર્મિક ક્રિયા-કર્મકાણ્ડનો ઉપયોગ એક અગર બીજા સ્વરૂપે મંડળની કાર્યવાહીમાં