પૃષ્ઠ:Thag.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ : ૧૮૯
 

જુલમ, ત્રાસ, તાપથી ચાલતાં રાજ્યોની સ્થિરતા ક્ષણિક છે. હિટલર કે મુસાલિનીના તેજથી હણાયલાં વિરોધી બળો બહારથી અદૃશ્ય થયેલાં ભલે લાગે; પરંતુ એબીસીનિયાની મુલ્કગીરીમાં રોકી દીધેલી ઈટાલિયન પ્રજા અગર યહૂદીઓના શિકારે ચડાવી દીધેલી જર્મન - આર્ય પ્રજામાં ગુપ્ત મંડળો સ્થપાય એવું વાતાવરણ તો તૈયાર થઈ જ રહેલું છે.

'માફિયા ટોળી'

આ મંડળીઓની થોડી વિગત તપાસીએ અને ઈટલીની જાણીતી 'માફિયા’ નામની ગુપ્ત મંડળીથી શરૂ કરીએ.

આજે ખૂબ જોર કરી રહેલા ઈટાલીને નેપોલિયને છિન્નભિન્ન કરી નાખ્યું હતું એ વાતને ભાગ્યે દોઢસો વર્ષ થયાં હશે. ઈટાલીની દક્ષિણે આવેલા સિસિલી ટાપુમાં લાંબા વખતથી અવ્યવસ્થા ચાલતી હતી. ઈટાલીનું રાજ્ય તે વખતે નબળું હતું એટલે સિસિલીની સંભાળ બરોબર રખાતી નહિ. તેમાં નેપોલિયને ઈટાલી જીતી પોતાના ભાઈને ગાદીએ બેસાડ્યો. એમાંથી અવ્યવસ્થા વધતી ચાલી, અને સિસિલીના મોટા જમીનદારોએ પોતાની જમીન સાચવવા અને મહેસૂલ ઉઘરાવવા બદમાશો અને ગુંડાઓને નોકર તરીકે રાખવા માંડ્યા. ગુંડાઓના હાથમાં સત્તા આવી એટલે તેનો પૂરો ઉપયોગ કરી તેમણે ખેડૂત વર્ગને મારી ઝુડી તદ્દન અબોલ બનાવી દીધો. હાલ આપણે ત્યાં પણ મિલમાલિક જમીનદારો અને શાહુકારો દરવાજા કે ખેતી સાચવવા, ઉઘરાણી કરવા અગર વસૂલાત લાવવા માટે મકરાણી, કાબુલી અને ભૈયાઓ રાખે છે એ જાણીતી બિના છે.

જમીનદારોના તાલુકાઓ અને જમીનો પાસે પાસે હોવાથી આ ગુંડા રક્ષકોમાં પોતાનું જ એક બંધારણ ઉદ્દભવ્યું, અને તેને એટલું બળ મળ્યું કે એ જ રક્ષકોએ જમીનદારોને જ મુશ્કેલીમાં નાખી દીધા. આ રક્ષકોની સંખ્યા મોટી ન હતી, છતાં અંદર અંદરના ભારે સંપને લીધે, તેમ જ કોઈ પણ ગુનો કરવાની તેમની સતત તૈયારીને લીધે તેમણે ખેડૂતોમાં અને જમીનદારોમાં ભારે ભય ફેલાવ્યો, અને આખી જમીનદારી વ્યવસ્થા ઉપર પોતાનો સોટો ચલાવ્યો. જમીનદારોએ કયા ખેડૂતો રાખવા, કયા રક્ષકો રાખવા, રક્ષકોને કેટલો પગાર કે ભાગ આપવો, જમીનની દાણ કેટલી ઠરાવવી, જમીન વેચવી હોય તો શા ભાવે વેચવી અને રાખવી, પાક કેટલો કોને વેચવો એ બધું ‘માફિયા’ ટોળીના રક્ષકોએ હાથ કરી લીધું.