પૃષ્ઠ:Thag.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨ : ઠગ
 

હિતસંબંધ રાખવા લાગ્યા, અને ‘કેમોરા'ની લૂંટફાટ તથા દાણચોરીને છાવરી તેમાંથી ભાગ લેવા લાગ્યા. નેપલ્સમાં તે સમયે એવી અંધાધૂંધી ચાલતી હતી કે માલના રક્ષણ અર્થે વેપારીઓ પોલીસ રોકવાને બદલે ‘કેમોરા’ મંડળના માણસોને રોકવા લાગ્યા. ચાલુ રાજ્યવ્યવસ્થા વિરુદ્ધ તેમની ચળવળ ન હતી. એટલે રાજસત્તા પણ તેમનાં કાર્યો તરફ આંખ આડા કાન કરતી હતી; એટલું જ નહિ પણ બંદોબસ્તી સીરબંદીમાં (Police force) ‘કેમોરા'ના ઘણા માણસો દાખલ થઈ ગયા. વળી પોલીસ ન શોધી શકે એવા કેટલાક અપરાધો ‘કેમોરા' પકડી પાડી સરકારને ઉપયોગી થઈ પડવાનો દેખાવ કરતી હતી.

ઈ. સ. ૧૮૪૮માં ‘કેમોરા'એ રાજકીય બાબતોમાં પણ માથું મારવા માંડ્યું. ઈ. સ. ૧૮૬૦માં મહારાજા ફ્રાન્સીસે નવું રાજબંધારણ પ્રજાને આપ્યું અને તે સાથે કેદમાં પડેલા સઘળા કેમોરીસ્ટી - કેમોરા મંડળના સભ્યો - ને બંધનમુક્તિ કરી દીધા. એટલે બે વર્ષ ચૂંટણીઓમાં તોફાન કરી પોતાના જ માણસોને સત્તા ઉપર લાવી ‘કેમોરા'એ ખૂબ અવ્યવસ્થા ફેલાવી. પછી ‘કેમોરા’ ઉપર સખતી શરૂ થઈ, છતાં લાંબા સમય સુધી તેનું પ્રાબલ્ય ચાલુ રહ્યું. ઈ. સ. ૧૯૦૦માં એક બદનક્ષીનો મુકદ્દમો ચાલતાં જણાયું કે નેપલ્સની સુધરાઈમાં કેમોરીસ્ટી ઘણા છે. એથી આખી સુધરાઈને વિખેરી નાખવામાં આવી હતી. ત્યાર પછી તેની પ્રતિષ્ઠા ઘટી ગઈ અને મંડળ ઈ. સ. ૧૯૧૧માં ભાંગી ગયું. એક ખૂનના કામમાં ટોળીના માણસો પકડાયા અને તેના સરદારને અમેરિકાથી પકડી લાવવામાં આવ્યો. આવા ગુનેગારોનું ભેદીમંડળ આખી સદી સુધી નેપલ્સ જેવા શહેરમાં અનેકાનેક ગુનાઓ કરતું હતું. હજી પણ ગુંડાગીરીને ‘કેમોરા' નામથી ઓળખવામાં આવે છે.

ક્લુ ક્લક્સ ક્લૅન

આગળ વધેલા અમેરિકાના સંયુક્ત રાજ્ય - United States of America માં ગુંડાઓનું કેટલું પ્રાબલ્ય છે એ સહુ કોઈ જાણે છે. ત્યાંના ગવર્નરો, ન્યાયાધીશો, અમલદારો એ સહુ ગુંડાની ટોળીઓનો આશ્રય લે છે, અને પોતાની સત્તા સાચવી રાખે છે એવો સંશય ચાલુ જ છે. પ્રમુખો પણ ગુંડાઓની ટોળીનો આશ્રય નહિ લેતા હોય એમ કહેવાય નહિ. Sand bagging- રેતી ભરેલી કોથળી માથામાં મારી ખૂન કરવાની પ્રથા અમેરિકાના ગુંડામાંથી ઉત્પન્ન થઈ છે.