પૃષ્ઠ:Thag.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦: ઠગ
 

એસેસિનોની કતલ કરી અને ઈરાનની બાજુબાજુમાં તેમની સત્તા નષ્ટ કરી. બીજી પાસેથી ઈજિપ્તના સુલતાનોએ સીરિયાની શાખાને નાબૂદ કરી. પછી તો આ ટોળી પડછાયા સમી બની રહી. તેના નાના નાના સંઘ હજી સીરિયા, ઈરાન અને હિંદના કોઈ કોઈ ખૂણામાં હોવાનું કહેવાય છે.

આમ આ ધર્મ સંબંધી મતભેદમાંથી ઊભી થયેલી ટોળી જગતની એક મહાખૂની ગુપ્ત ટોળી બની. તેણે યુદ્ધો કર્યાં, છૂપાં ખૂન કર્યાં, રાજદ્વારોને ભયથી ઉજાગરા કરાવ્યા, ખલીફાઓને તેમણે કાપી નાખ્યા, ખ્રિસ્તી-ક્રુઝેડરોના આગેવાનોને પણ કતલ કર્યા, અને લાખોની સંખ્યામાં પોતાના અનુયાયીઓને અનેક દેશમાં ફરતા રાખ્યા. એ ટોળીની સત્તા કેટલી જબરી હશે તેનો ખ્યાલ આથી આવી શકશે.

ચીનની ધવલપદ્મ ટોળી - ત્રિશૂળસમાજ

ચીન, ઇજિપ્ત અને હિંદ એ માંત્રિક, તાંત્રિક અને ધર્મ સાથે સંબંધ રાખનારી ગુપ્ત ટોળીઓનાં મથક ગણાય છે. કેટલીક ગુપ્ત ટોળીઓ ધંધાનાં મહાજન કે ધંધામાં રહસ્યો સાચવી રાખનાર મંડળો હોય છે. પરંતુ ધાર્મિક ટોળીમાંથી રાજકીય બની ગયેલી કેટલીક મંડળીઓનું ગુપ્ત સ્વરૂપ સમજવા સરખું હોય છે. ચીનની 'હુંગ’ અગર 'ત્રિશૂળ’ સમાજ હજી જીવતી જાગતી ગુપ્ત ટોળી છે, અને જગતની કોઈ પણ ટોળી કરતાં વધારે સભ્યોની સંખ્યા ધરાવે છે. ઈ. સ. ૩૮૬ ની સાલથી આ ત્રિશૂળસમાજ અને ધવલપદ્મ (White Lotus) ટોળી સાથે સાથે અસ્તિત્વ ભોગવતી ચાલી આવી છે.

આ સમાજની સ્થાપના - અગર પુનર્જીવન બૌદ્ધ મુનિ ઈઓન અગર હુનીયીન આભારી છે. અમિતાભ બુદ્ધનો પંથ ફેલાવવા પ્રથમ આ સંસ્થા સ્થાપન થઈ. આ મંડળીની સત્તા એટલી બધી વધી કે તેણે ઈ. સ. ૧૩૪૪માં મોગલ અગર યુએન વંશના રાજ્યકર્તાઓની સામે ભારે બળવો ઉઠાવ્યો. ઈ. સ. ૧૬૬૨ માં ખાન્ય - સી નામના શહેનશાહે આ મંડળીને ગેરકાયદે ઠરાવી અને તેના સભ્યો ઉપર અત્યાચાર શરૂ કર્યો. ધવલપદ્મ અને ત્રિશૂળ મંડળ બંને એક જ ટોળીનાં જુદાંજુદાં નામો છે કે બંને સરખી છતાં જુદી ટોળીઓ છે એ નક્કી થઈ શક્યું નથી. એક જુદી જુદી ભૂમિકાઓ માટે આ બે નામ વપરાતાં હોય એવો પૂરો સંભવ છે.