પૃષ્ઠ:Thag.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ: ૨૦૯
 

આ લોકો મોટે ભાગે રબારી વર્ગના હતા, અને કોઈ પણ જાતનું ધાતુનું હથિયાર રાખતા નહિ. તેમનું હથિયાર ચામડાનું એક ગાળાવાળું દોરડું હતું; એ ગાળામાં માણસ કે જાનવર જે ફસાય તેનો મર્યે જ છૂટકો થતો.

મુસ્લિમ વિજેતાઓ સાથે સગર્ટી જાતના વંશજો આવી દિલ્હીની આસપાસ ઘર કરી રહ્યા હોય, અને તેમણે ફાસિયાઓનો ધંધો સ્વીકાર્યો હોય એવો સંભવ કેટલાકને લાગે છે. ખૂનનો આ માર્ગ પરદેશથી આવ્યો હોય એમ કહેવામાં આપણું સ્વદેશાભિમાન ઘવાવાની જરૂર નથી જ ! પરંતુ માત્ર ફાંસાના સામ્ય ઉપરથી ઉત્પત્તિ સાબિત ભાગ્યે જ થાય. ઑસ્ટ્રેલિયામાં ‘લેસો'નો ઉપયોગ અસંસ્કૃત જાતો કરે છે. તેમના ઉપરથી 'લેસો’નો ઉપયોગ છેક અમેરિકાનાં પશુક્ષેત્રોમાં પણ થાય છે. તેથી કાંઈ ફાંસિયાઓએ ઓસ્ટ્રેલિયાના જંગલીઓ પાસેથી આ જ્ઞાન મેળવ્યું કહી શકાય નહિ.

ઠગ લોકોનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઝિયાઉદ્દીન બારનીના લખેલા ફિરોઝ તુઘલખના ઇતિહાસમાં જોવામાં આવે છે. એ ઇતિહાસ સને ૧૯૫૬ માં લખાયો. જણાવ્યું છે કે ઈ. સ. ૧૨૯૦માં હજાર ઠગ દિલ્હીમાં પકડાયા હતા. ફિરોઝશાહે તેમને મારી ન નાખતાં લખનૌ લઈ જઈ છોડી દીધા. ત્યાંથી તેઓ સંયુક્ત પ્રાંતમાં અને બંગાળમાં ફેલાયા હોવા જોઈએ. અકબરના સમયમાં ઠગ લોકોનો બીજો ઐતિહાસિક ઉલ્લેખ છે. વળી શાહજહાનના સમયમાં ‘થીવીનો’ નામના એક ફ્રેન્ચ મુસાફરે પણ ઠગ લોકોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ઠગ લોકો રૂપાળી સ્ત્રીઓનો ઉપયોગ મુસાફરોને ફસાવવા માટે કરતા હતા એમ જણાવ્યું છે.

ઈ. સ. ૧૭૯૯માં ટીપુ સુલતાન પાસેથી શ્રીરંગપટ્ટણ અંગ્રેજોએ લીધેલું તે સમયે કંપની સરકારના ધ્યાન ઉપર ફાંસીગરોના અસ્તિત્વની વાત લાવવામાં આવી હતી. ઈ. સ. ૧૮૧૬ માં ડૉ. શેરવુડ નામના મદ્રાસમાં રહેતા અંગ્રેજ અમલદારે એક વિગતવાર લેખ ઠગ લોકોનાં કારસ્તાનો વિષે લખ્યો. પરંતુ ઠગ લોકોનાં કાર્યો બધાને લાંબા સમય સુધી કલ્પિત અને વધારે પડતાં લાગ્યાં. તેમનો ઉપદ્રવ વધી ગયો, અને સરકાર તથા લોકો ચોંકે એવાં ખૂન થવા લાગ્યાં. ઈ. સ. ૧૮૨૯માં ઠગ લોકોને વિખેરી નાખવા માટે કર્નલ સ્લિમાનની ખાસ નિમણૂક કરવામાં આવી. ઈ. સ. ૧૮૩૦માં એક ફિરંગિયા નામનો બ્રાહ્મણ ઠગ પકડાયો; આ ફિરંગિયો મશહૂર અને સંઘમાં માનીતો ઠગ હતો. એના પકડાવાથી અનેક ચોંકાવનારી બિનાઓ બહાર આવી. પ્રથમ તો સ્લિમાનને પોતાને જ વિશ્વાસ ન બેસે એવી એ બિનાઓ લાગી, પરંતુ ફિરંગિયા અને બીજા તેની