પૃષ્ઠ:Thag.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ : ઠગ
 

એ વાતની હવે મને ખાતરી થઈ. છતાં થાક એટલો લાગ્યો હતો કે બંધનના વિચારો વીસરી જઈ પલંગ ઉપર સૂઈ જ ગયો.

પ્રભાતના અજવાળાથી અને પક્ષીઓના કિલકિલાટથી જાગી ઊઠ્યો. જાગતાં જ નાસ્તાની ચીજો મારી સામે મુકાયેલી મેં જોઈ. હું ઓરડીમાં આમતેમ ટહેલવા લાગ્યો : બારીની બહારનાં દૃશ્યો જોવા લાગ્યો. બારીએથી ઊતરી નાસી છુટાય એમ હતું કે નહિ તેની તદબીર વિચારવા લાગ્યો. એટલામાં જ દૂરથી ઘોડાઓની ખરીઓના જેવો અવાજ મારે કાને પડ્યો. હું ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો. ઘણા ઘોડાઓનાં પગલાં સંભળાતાં હતાં. બારીએથી મને કાંઈ જ દેખાયું નહિ.

એટલામાં મારી ઓરડીનું બારણું ઊઘડ્યું અને આયેશાને મેં મારી સામે ઊભેલી જોઈ.

મેં માનપૂર્વક ડોકું નમાવ્યું.

આયેશાએ કહ્યું :

‘આપને આજનો દિવસ ચાલે એટલું બધું સાધન અહીં છે. તમે મુખ્ય બારી બંધ રાખજો અને જે ખુલ્લી રાખો તેમાંથી ઝૂકશો નહિ. ઘણા માણસો આવે છે અને તેમાંથી કોઈ પણ તમને દેખશે તો મારે અને તમારે ઘણું જોખમ ઉઠાવવું પડશે.'

મેં કહ્યું :

'તે બાબત નિશ્ચિંત રહેજો. પરંતુ બીજી જ કોઈ રીતે જોખમ આવી પડે તો મારે શું કરવું ?'

'તે હું જોઈ લઈશ.' તેણે જવાબ આપ્યો. ‘આપે કાંઈ જ કરવાનું નથી.’

પડદા પાછળ સંતાતી બીકણ હિંદી સ્ત્રીઓમાં આવી હોશિયારી હશે એમ મેં ધાર્યું નહોતું. પરંતુ મારે ભૂલવું ન જોઈએ કે અનેક રાણીઓ, રાજમાતાઓ અને બેગમોએ રાજ્યની બાજી હિંદમાં ચલાવ્યે રાખી હતી.

ઘોડા આ મકાનના ચોગાનમાં આવી પહોંચ્યા હોય એમ લાગ્યું. આયેશાએ એકદમ ઓરડીમાંથી બહાર પગ મૂક્યો અને તાળું વાસ્યું.

પાછો હું એકલો પડ્યો. કેદીની ભાવના તીવ્ર બની.