પૃષ્ઠ:Thag.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમના ભણકાર : ૩૫
 


‘હું ! અહીં પણ પ્રેમની વાતો છે. ઠગ લોકોમાંયે આવા કિસ્સા બને છે ખરા !’

આયેશા હસી રહીને બોલી :

‘એમ તો આખી દુનિયા દામન પાથરે ?'

‘આખી દુનિયા તારી પાસે દામન પાથરે એમાં નવાઈ નથી. ઓ હુરી ! ખૂબસૂરતી સારી આલમને બેભાન બનાવવા માટે બસ છે.' પેલા પુરુષે કહ્યું

'મેં મારા મનથી તેના અભિપ્રાયને ટેકો આપ્યો. તે ખરું જ કહેતો હતો. મારી સ્થિતિનું મને ભાન ન હોત તો હું જરૂર મોટેથી બોલીને મારો અભિપ્રાય આપત.'

'પણ એ સારી આલમના દામનને હું શું કરું ?' આયેશાએ જવાબ આપ્યો. એ જવાબમાંથી હાસ્યોનો પડઘો હજી ગયો ન હતો.

આ પ્રશ્નનો ઉત્તર શો હોઈ શકે ? મને તો ઉત્તર ન જ જડ્યો. જગતની સ્વરૂપવતી સ્ત્રીઓને નિત્ય આ ઉદ્દગાર કાઢવા પડતા હશે ? પુરુષ જાતની લોલુપતા અને સ્ત્રી આગળની દીનતા ઉપર આ પ્રશ્ન કેટલી સચોટ અને સબળ ટીકા રૂપ હતો ?

પરંતુ આ ટીકામાં રહેલો ડંખ પેલા વાત કરતા મનુષ્યના ધ્યાન બહાર ગયો. તેણે સખ્તીથી કહ્યું :

‘શું તું મને બીજાઓ સાથે સરખાવે છે ?'

‘નહિ. જી.’ આયેશાએ મીઠાશથી જવાબ આપ્યો. ‘આપની લાયકાત ઘણી ઊંચી છે માટે તો આપ આટલી ઊંચી પાયરી ઉપર છો.'

ઠગ લોકોમાંયે લાયકાત મુજબ પાયરીઓ રાખવામાં આવતી હતી. એ હું જાણતો હતો. સૈનિકોની માફક તેમનામાં પણ નાયક, જમાદારો, ભટોટી, ભટ્ટ જેવી પાયરીઓ હતી.

‘તો પછી તું મને ચાહતી નથી ? પ્યારનો બદલો પ્યારથી કેમ વાળતી નથી ?’

‘એ વાત અલગ છે એમ શું તમને નથી લાગતું ?' આયેશાએ જવાબ આપ્યો.

મને તેનું કહેવું ખરું લાગ્યું. વ્યવહારની લાયકાત અને પ્રેમની લાયકાત એક જ હોત તો ઘણાં જોડાં જગતમાં બંધાત જ નહિ.

'ઠીક. તારી નજરમાં પેલો છોકરો ભરાઈ રહ્યો છે તે હું જાણું છું.’

‘તો પછી તમે શા માટે વચ્ચે આવો છો ? આયેશાએ કહ્યું.