પૃષ્ઠ:Thag.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦ : ઠગ
 

જોયું. ઠગ લોકો આવાં આવાં સાધનો ધરાવે છે એનો મને વિચાર આવ્યો. આવાં છૂપાં અને ગુપ્ત સાધનો હોય તો તેમને જેર કરવા એ મુશ્કેલ જ બને એમાં નવાઈ નથી. અને તેમની ટોળીમાં આ યુવક સરખા બુદ્ધિમાન પુરુષો અને આયેશા સરખી રૂપવતી અને મનોબળવાળી યુવતીઓ જોડાયેલી હોય તો ઠગ લોકોને માત કરવાનો રસ્તો ખરેખર વધારે જ મુશ્કેલીભર્યો બની જાય.

આયેશાનો વિચાર આવતાં મેં ફરી પૂછ્યું :

‘કદાચ ઓરડામાંથી બહાર જવાનો પ્રસંગ ન આવ્યો હોત તો આયેશાનું શું થાત ?’

‘તેનો ભવાનીને ભોગ આપત.' તેના અવાજમાં મને કાંઈ ફેરફાર લાગ્યો. શું આવું ભયંકર પરિણામ માથે વહોરી લઈ આયેશાએ મને બચાવ્યો હતો ? ઉપકાર અને આશ્ચર્યની લાગણી નીચે હું દબાઈ ગયો.

‘પરંતુ આયેશાએ મારે માટે આવું જોખમ કેમ ખેડ્યું ?' મને વિચાર આવ્યો અને તે મેં યુવકને જણાવ્યો. યુવકની આંખ ચમકી ઊઠી એમ અંધકારમાં પણ મને જણાયું. પછી તે સહજ હસ્યો અને બોલ્યો :

‘આપની સાથે આવનારનું તેણે માન રાખ્યું હશે !’

‘મારી સાથે આવનાર એ યોગી કોણ હતા ? આપણી મુલાકાતને પ્રથમ દિવસે તેમને ત્યાં જ મને ઉતારો આપ્યો હતો.’ મેં પૂછ્યું.

‘હા. જી.’ એટલું કહી તેણે મારા પ્રશ્નને ઉડાવ્યો.

મને આટલેથી સંતોષ ન થયો. મેં કહ્યું :

'ભાઈ ! એક વાત પૂછવાની હું ધૃષ્ટતા કરું ?’

‘ભલે, પૂછો !’

‘આયેશા પેલા સાધુને ચાહે છે, નહિ ? મેં સંકોચાતાં પૂછ્યું.

યુવક સહજ હસ્યો, અને હસતો હસતો બોલ્યો :

'દુનિયામાં દીવાનાં એટલાં વસે છે કે વાત ન કરશો. તેમ પણ હોય. પરંતુ સાધુ તો ઘણી મોટી ઉંમરનો છે, નહિ ?'

મેં વાત બંધ રાખી. થોડે આગળ ગયા એટલે ફરી બિલકુલ અંધારું થઈ ગયું. યુવકે કહ્યું :

‘હજી આપણે દોરડાં ચડવાનાં છે. મારી પાછળ આવો.'

તેણે દોરડું મારા હાથ આગળ આણી મને ચડવા કહ્યું.

મેં દોરડું પકડી ચડવા માંડ્યું. તદ્દન અંધકાર વ્યાપેલો હતો, પરંતુ જેમ જેમ હું ઉપર ચડતો ગયો તેમ તેમ ઝાંખો પ્રકાશ જણાવા માંડ્યો. મેં