પૃષ્ઠ:Thag.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગોરી કાળી ઠગાઈ :૪૩
 

અંગ્રેજના લોહીનું એક ટીપું તમારા લાખો આદમીઓના જાન બરાબર છે, એ શું તમે નથી જાણતા ? મેં ગુસ્સો સહજ દાબી અમારી સરકારનો ભય બતાવ્યો. પરંતુ પેલા સાધુ ઉપર તેની કંઈ અસર જણાઈ નહિ. તેણે સહજ હાસ્ય કર્યું અને બોલ્યો :

‘શા માટે અંગ્રેજ લોહીનું એક ટીપું લાખો હિંદીનો જાન બરાબર ગણાય ? એવું શું છે અંગ્રેજોના લોહીમાં ?'

આનો જવાબ મને જડ્યો નહિ. સાધુએ આંખો મીંચી અને પોતાના હાથમાંની માળા ફેરવવા માંડી. જાણે મારું અસ્તિત્વ હોય જ નહિ એ પ્રમાણે તેણે આંખો મીંચી માળા ફેરવવાનું કામ ચાલુ રાખ્યું. થોડી વારે માળા ફરતી બંધ થઈ. અને ટટાર બેઠેલો આ સાધુ જાણે ઊંડાણમાં ઊતરી કોઈ અગમ્ય વસ્તુ સાથે એકતાર ન થઈ ગયો હોય એમ લાગ્યું. થોડી વાર મેં તેને નિહાળીને જોયો. યોગીઓ અને જાદુગરોના ધ્યાનની અને મંત્રજંત્રની વાત મેં ઘણી સાંભળી હતી. એવા યોગીને હું પ્રત્યક્ષ નિહાળી રહ્યો.

શું તે ઈશ્વરની ભક્તિ કરતો હતો ? જો ઈશ્વરનું ધ્યાન તે ધરતો હોય તો આની ઠગ લોકોની જંજાળમાં તે શા માટે પડે ? મારા ઉપર છાપ પાડવાનો તેને ઇરાદો હશે એમ મને લાગ્યું. આવા સાધુઓથી અંગ્રેજો ઠગાય એમ ન હતું.

ઘડી બે ઘડી તે આમ ને આમ બેસી રહ્યો. પછી તેણે આંખ ઉઘાડી. મેં હસતાં હસતાં પૂછ્યું :

‘જાદુ કરો છો કે શું ?'

‘અંગ્રેજોનો જાદુ હું વિચારું છું.' તેણે પણ જવાબ આપ્યો.

‘અંગ્રેજોનો જાદુ તમને સમજાય એવો નથી. તમે હજારો વર્ષ આમ ધ્યાન ધરી રાખશો. છતાં તેનો પાર તમે ભાગ્યે જ પામી શકશો.' મેં ગર્વથી જવાબ આપ્યો.

મારા ગર્વભર્યા વેણની તેના ઉપર અસર થતી જણાઈ નહિ. તેણે મને ઊલટ સંબંધ વગરનો પ્રશ્ન કર્યો :

‘આપને શા કામે સરકારે રોકેલા છે ?'

‘ઠગ લોકોને પકડવા માટે,' મેં જવાબ આપ્યો.

સાધુ ખડખડાટ હસી પડ્યો. હસતાં હસતાં તેણે કહ્યું :

‘કામ તો સહેલું છે. જેટલી ટોપીવાળા છે એટલાને પકડો એટલે કામ પૂરું થશે.'