પૃષ્ઠ:Thag.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪ : ઠગ
 

સાથે કામ છે. સ્ત્રીઓને ડરાવવા જેટલું તે કામ સહેલું નથી.’

‘મારે પણ ગોરાઓ સાથે કામ પાડવું છે. મારે પણ ગોરો બનવું છે; એટલા માટે તો હું આ મેમને લેવા આવ્યો છું !' તેના આ ક્રૂર લાગતા શબ્દો સાંભળી મટીલ્ડાને કાને હાથ દીધા.

'કેમ મેમસાહેબ ! હવે તો જોડે આવું છે ને ? આજે ચાલવાનું નથી. સુમરા કરતાં હું ખોટો છું? એક આંખ ઝીણી કરી તેણે મટીલ્ડાને સંબોધીને કહ્યું.

‘મારે કાંઈ જવું પણ નથી અને કાંઈ આવવું પણ નથી. મને હેરાન કરશો તો ઈશ્વર તમને પૂછશે.’ મોટીલ્ડાએ અત્યંત કરુણ સ્વરથી જણાવ્યું.

આઝાદ એ સુમરા સરખો જ બીજો ભયંકર ઠગ હતો. એનું નામ પણ ઘણું જાણીતું હતું. સુમરા અને આઝાદ વચ્ચે મટીલ્ડા તેમ જ આયેશાને માટે હરીફાઈ ચાલતી હોય એમ મને શક ગયો. હજી દુનિયાને સ્ત્રીઓ માટે લડવું પડે છે એ વિચારથી મને ખેદ થયો. પૂર્વ પ્રદેશના સત્તાધારીઓ અને સાધનવાળા પુરુષો હજી એક કરતાં વધારે સ્ત્રીઓ મેળવવામાં માન સમજે છે એ વિચારે મને તેમના તરફ ધૃણાની લાગણી થઈ આવી.

આઝાદે એક ડગલું આગળ ભર્યું. અને હું મટીલ્ડા અને આઝાદની વચ્ચે આવી ઊભો.

‘ઠગને પકડનાર સાહેબ કે ?' અટ્ટહાસ્ય કરીને આઝાદે મારી મશ્કરી કરી. હાસ્ય પૂરું થતા પહેલાં તો આંખ કપરી કરી તે આગળ વધ્યો અને બોલ્યો :

‘વચ્ચેથી ખસે છે કે નહિ ? આ સુમરો ન હોય કે તને બચાવે.'

મેં હસીને જણાવ્યું :

‘હું જોઉં છું કે આવડા વજનદાર શરીરથી તું શું કરી શકે છે !’

વીજળીની ઝડપથી આઝાદ મારા પર તૂટી પડ્યો. આટલી ત્વરાને માટે હું તૈયાર ન હતો. છતાં મારામાં જેટલું બળ હતું તેટલું એકત્રિત કરી મેં આઝાદ સાથે દંદ્રયુદ્ધ આરંભર્યું. આઝાદે ધાર્યું હશે કે આટલા હુમલાથી હું માત થઈ જઈશ અને તેથી જ તેણે કોઈ હથિયારનો ઉપયોગ પ્રથમ ન કર્યો; ઠગ લોકો અંગ્રેજો કે ગોરાઓને પોતાના ભોગ ભાગ્યે જ બનાવતા, અને અમારી રાજસત્તા વધતી હોવાથી અમને સીધા છંછેડવા એ પણ તેમને અનુકૂળ નહિ હોય. ગમે તેમ પણ તેણે હથિયાર વાપર્યું હોત તો હું ભાગ્યે જ બચત. તેને તત્કાળ જણાયું કે તેના ધાર્યા જેટલો નબળો હું ન હતો. ઠગના એક જાણીતા આગેવાન સાથે સીધો સામનો કર્યાનો આ મારે