પૃષ્ઠ:Thag.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મટીલ્ડા : પપ
 

પહેલો જ પ્રસંગ હતો; અને આવા અનેક ઠગ લોકોની ટોળીઓને વિનાશ કરવાનું કંપની સરકારે મને જ સોંપ્યું હતું, એ વિચારથી મારામાં બમણી હિંમત અને બમણું બળ આવ્યાં. આઝાદને મેં લડતો જ રાખ્યો, અને થોડી ક્ષણમાં તેણે જાણી લીધું કે મારી સાથે હથિયાર વાપર્યા વગર છૂટકો નથી. એનો આ વિચાર હું સમજી ગયો. અને તેના હાથ અને શરીરને જરા પણ ફુરસદ ન મળે એવી પેરવીથી મેં લડવા માંડ્યું. હથિયારનો ઉપયોગ કરવાની તેને તક મળી જ નહિ.

મને ઝાંખું ઝાંખું જણાયું કે આ ગરબડમાં દિલાવરે મટીલ્ડાને ઊંચકી જે બારીમાંથી અમે આવ્યા હતા. તે બારીમાંથી નાસી જવાનો પ્રયત્ન કર્યો. હું ખુશ થયો. પરંતુ અચાનક પેલો બારણામાં ઊભેલો મનુષ્ય ધસી આવ્યો; તેની પાછળ છસાત માણસો બહાર પડ્યા અને જેવો દિલાવર બારીમાં પેસવા જાય છે, તેવો જ તેને સહુએ ઝાલી લીધો. મટીલ્ડા લગભગ બેભાન જેવી થઈ ગઈ હતી. દિલાવરનું બળ જેવું તેવું ન હતું. એની મને ખબર હતી. મારી આખી ટુકડીમાં મને તેના ઉપર પૂરો વિશ્વાસ હતો. એક પ્રસંગે પૂરપાટ દોડતા ઘોડાને તેણે માત્ર પોતાના બળથી જ ઝાલી અટકાવી દીધો હતો. એક વખત જરા જરૂરના પ્રસંગે એક કલાકમાં વીસ ગાઉ જેટલે દૂર જઈ તેણે સંદેશો પહોંચાડ્યો હતો. નવરાશના વખતમાં છ-સાત માણસોની સાથે તે કુસ્તીઓ કર્યા કરતો, અને આ પ્રદેશની તેની માહિતી એટલી બધી હતી કે તે કદી ભૂલો પડતો જ નહિ, તે માત્ર બોલતો ઘણું જ થોડું.

મટીલ્ડાને મૂકી. તેણે એ સાત માણસો સાથે યુદ્ધ આરંભ્યું. અત્યંત છૂટથી તેણે પોતાના બળનો પ્રભાવ બતાવ્યો, અને તેમને પોતાનાથી દૂર કર્યા. ફરી તેણે મટીલ્ડાને ઉપાડી અને બારીમાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો. આઝાદે તે જોયું અને એકદમ તે મારી પાસેથી ખસ્યો અને દિલાવર ઉપર ધસ્યો. હું વિચારમાં પડ્યો, થાક્યો, અને જોઉં છું તો દિલાવર ઉપર કટાર ઉગામી આઝાદ ઘા કરવાની તૈયારીમાં હતો. અમે બધા તે બાજુ તરફ દોડ્યા. મને રોકવાનો આઝાદના માણસોએ પ્રયત્ન કર્યો, પરંતુ તે સફળ થયો નહિ. જેવી કટાર આઝાદે દિલાવર ઉપર ઉગામી તેવો જ મેં આઝાદનો હાથ પકડી લીધો. કટાર દિલાવર ઉપર ન પડતાં તે દૂર ઊડીને પડી અને આઝાદનો ઘા ખાલી ગયો. દિલાવરના હાથમાંથી મટીલ્ડા છૂટી થઈ ગઈ. વીજળીની ઝડપથી દિલાવર બારીમાંથી બહાર પડ્યો, અને સઘળા જોતા રહીએ એટલામાં તો તે કોઈ દોરડું પકડી સડસડાટ નીચેની ભયંકર ખીણમાં ઊતરી પડ્યો.