પૃષ્ઠ:Thag.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
 
ઠગનો કાર્યપ્રદેશ
 


વળી આ ઠગની ટોળી માત્ર દુષ્ટ વૃત્તિથી જ પ્રેરાયેલી હોય એમ ન હતું. કેટલાક પત્રોમાં તો તેમની નૈતિક ભાવનાઓ એવી સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરેલી હતી કે તે કોઈ પણ ધાર્મિક સંસ્થાના સ્થાપકને દીપાવે. પીંઢારાના મહાન સરદાર અમીરના એક પત્રમાં લખેલું હતું : ‘આપે મને ઠપકો આપ્યો તે વાસ્તવિક છે; પરંતુ કેટલાક કારણોને લીધે વાત હાથમાં રહી નથી. લોકોને મોંએ મરચાંના તોબરા બાંધવાં એ હિચકારાનું કામ છે એમ આપ કહો છો, તે હું કબૂલ કરું છું. અને કોઈ પણ સ્ત્રી ઉપર હાથ ઉપાડવો એ ખુદાને આપણા ઉપર હાથ ઉપાડવાને તૈયાર કરવા જેવી ભૂલ છે. કેટલીક વખત આવી ભૂલ થઈ જાય છે. આપે એવી ભૂલોને બહુ આગળ કરી આપની મદદ પાછી ખેચી લેવી ન જોઈએ.’

એક બીજા પત્રમાં જણાવેલું હતું : ‘બાઈ... ને મારા માણસોએ લૂંટી લીધી એ બહુ જ ખોટું થયું છે. મારી એવી ઇચ્છા હોય જ નહિ. આપની સૂચના મુજબ લૂંટેલો તમામ માલ એ બાઈને આજે સાંજ પહેલાં પહોંચી જશે. આપ હવે તકલીફ ન લેશો.'

ત્રીજો પત્ર જોયો તેમાં વળી વધારે આશ્ચર્ય ઉત્પન્ન થાય એવી હકીકત લખેલી હતી : ‘રઘુનાથરાવ અંગ્રેજોને ન મળે તો બીજું શું કરે ? તેનું ચારે બાજુએથી અપમાન થાય છે. આજકાલના જુવાનિયા ભૂલી જાય છે કે આ વીર પુરુષે અટક નદીમાં પેશ્વાના ઘોડાઓને પાણી પાયું છે.’

ચોથા પત્રમાં વળી એથી વધારે તાજુબી પમાડનારી હકીકત હતી : પાટીલ બુવા અને નાનાસાહેબ ફડનવીસને ભેગા કરવાની તમારી યોજના ઘણી સારી છે, બંને જણ પોતપોતાની મહત્ત્વાકાંક્ષાને દાબી હિંદી રાજ્યના હિત માટે ભેગા થઈ જાય તો જ હિંદુસ્તાનનો ઉદ્ધાર છે. તમારો પ્રયત્ન સફળ થશે એમ હું ધારું છું. આજકાલના અંગત સ્વાર્થમાં બધા જ દેશને ભૂલી જાય છે. ગાયકવાડે ગુજરાતમાં ઘર કર્યું. સિંધિયા અને હોલકર મધ્ય હિંદુસ્તાનમાં વસી ગયાં, ભોંસલે બંગાળા સુધી દોડે છે; પણ એ બધા પેશ્વાઈને માટે શું કરે છે ? આમનું આમ ચાલશે, તો મને ડર રહે છે કે પેશ્વાઈ નાબૂદ થશે અને બધા જ અંગ્રેજોના દાસ થઈ રહેશે.'