પૃષ્ઠ:Thag.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભગ્ન હૃદયના ભણકારા : ૬૭
 

‘પણ આઝાદ તો તમને ચાહે છે ને ? મેં પૂછ્યું.

'પરંતુ એ જાણે છે કે હું પણ સાધ્વી છું, મારાથી કોઈ સાથે લગ્ન થઈ શકે એમ છે જ નહિ !’ મને ફરીથી ચમકાવતો જવાબ આયેશાએ આપ્યો.

'આ શું ? આવી સ્વરૂપવતી સ્ત્રીને એકલી જિંદગી ગુજારવી પડશે ?'

‘અને તેથી જ મટીલ્ડાને ઉપાડી લાવવામાં આઝાદે આગળ પડતો ભાગ લીધો હતો.' આયેશાએ જણાવ્યું.

‘તમે શું કહો છો ? મારી સમજમાં જ કશી વાત ઊતરતી નથી. સમરસિંહ પણ સાધુ છે, અને તમેયે સાધુ છો ? અને તમે બંને કુંવારી જિંદગી ગાળવાનાં છો ?' મેં પૂછ્યું.

‘એમ જ. આપ કહો છો તેમ જ.’ આયેશાએ કહ્યું. ‘અમારો ધર્મ અમને તેવી ફરજ પાડે છે.’

‘પણ આઝાદ તો લગ્ન કરવા માગે છે ! એ શી રીતે ?' મેં પૂછ્યું.

‘બધાંને લગ્નની મના નથી. ધર્મના ભેદની ચાવીઓ જેની પાસે રહે તેણે લગ્નને ઘણી વખત જતું કરવું પડે છે. હું અને સમરસિંહ અમારા ધર્મને યથાર્થ સમજીએ છીએ. એટલે જગતના સુખનો ત્યાગ કરવાની અમારે માથે ફરજ છે.' આયેશાએ જણાવ્યું.

હું આ સાંભળી મૂઢ બની ગયો. આ લોકોનો ધર્મ શો ? ધર્મના ભેદ શા ? ઠગવિદ્યા અને ધર્મને સંબંધ કેવો ? આ સુંદર સ્ત્રીના મુખ ઉપર સમરસિંહના નામ સાથે રતાશ આવે છે તે તેના સહચાર વગર કેમ રહી શકશે ?

વળી આઝાદ મટીલ્ડાને ઉપાડી ક્યાં લઈ ગયો હશે ? તેની કેવી દશા કરી હશે ? આ બધા વિચારો ક્ષણમાત્રમાં મારા હૃદય ઉપર તરવરી રહ્યા.

‘એ બધું તો ઠીક છે; પરંતુ હવે આપણે અહીંથી બહાર જવું જોઈએ. અમારા ધર્મનો ઇનકાર કરનાર અહીં આવે તો જરૂર આ દેવીનો ભોગ થઈ પડે. મારી શરત તો યાદ છે ને ?’ તેણે પૂછ્યું.

‘તમે મને પૂરી વાત કહી નથી. હજી નથી સમજી શક્યો કે તમારી શી શરત છે.' મેં જવાબ આપ્યો.

‘મટીલ્ડાને આઝાદના કબજામાંથી છોડાવવા તમારે મને સહાય આપવી અને પછી તેને કોઈ હિંદવાસીના પ્રેમમાં ન પડવા સમજાવવી. એ શરત કબૂલ હોય તો હું તમને અહીંથી બહાર લઈ જાઉં.' આયેશાએ કહ્યું. તેની આંખમાં તોફાન ઊછળી રહેલું લાગ્યું.

'ઓહો ! એ તો મારી ફરજ છે.' મેં કહ્યું. 'તમને વચન ન આપું તોપણ