પૃષ્ઠ:Thag.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮ : ઠગ
 

મેં તેને દિલાસો આપ્યો અને જણાવ્યું કે હું તેની સ્થિતિનો ખોટો લાભ લેવા ઇચ્છતો ન હતો. તેને મારા કહેવામાં કાંઈ વિશ્વાસ આવ્યો અને તેણે જણાવ્યું :

‘અમારી ટોળીને વશ કરવા તમને નીમેલા છે. મેં બીડું ઝડપ્યું કે તમને જીવતા પકડવા અને ભવાનીને તમારું બલિદાન આપવું. અગર જીવતા ન પકડાઓ તો તમારું શિર કાપી તે માતાને ધરાવવું. હું મારા પ્રયત્નમાં સફળ થાત. પરંતુ એમાં એક સુમરો વચ્ચે આવ્યો અને તમને બચાવી લીધા.’

હું આ હકીકત સાંભળી ચકિત થઈ ગયો. મારા માથા માટે આમ ઠગ લોકોમાં શરત રમાઈ હશે તેનો મને ખ્યાલ આવી શકે એમ ન હતું. હું કેવા ભયંકર સંજોગોમાં મુકાયો હતો. તે મને અત્યારે સમજાયું, અને પેલા યુવકે મને બચાવી લીધો ન હોત તો અત્યારે હું આમ આરામ ખોળવાને જીવતો રહ્યો ન હોત. એની મને ખાતરી થઈ.

મને સુમરા ઉપર ખરેખર ઉપકારની લાગણી થઈ આવી, અને આઝાદ સરખા ભયંકર શખ્સની તલવારથી મને ઉગારવા અર્થે સુમરાએ લીધેલ મહેનત માટે હું મનમાં ને મનમાં તેને આશિષ આપવા લાગ્યો.

‘પરંતુ હવે મારે બાજી ફેરવવાની છે. આપનું ખૂન મને જરા પણ ફાયદો કરે એમ નથી. ઊલટું આપની દોસ્તીથી હું મારી મુરાદ વધારે સારી રીતે પાર પાડીશ એમ મારી ખાતરી છે. માટે જ જો તમે મને સહાય કરો તો હું તમને સહાય કરું. મને મટીલ્ડા મેળવી આપો તો હું સુમરાને પકડી તમને આપું.' આઝાદે વિચાર કરી કહ્યું.

કોઈ પણ શરતમાં પડવાની મારી ઇચ્છા નહોતી. મટીલ્ડા ગૌરાંગ બાળા હતી. એટલે તેને સુમરાથી દૂર કરવા માટે આયેશાની સ્ત્રીસહજ ઈર્ષાએ મારી સહાય માગવા તેને પ્રેરી. એ જ મટીલ્ડાને પ્રાપ્ત કરાવી આપવા માટે આઝાદની વાસનાએ તેને મારી દોસ્તી મેળવવા પ્રેર્યો. મને વિચાર થયો કે સ્ત્રીજાત જગતના ક્રમમાં કેટલા ફેરફાર કરાવ્યે જાય છે ? જે સ્ત્રીને માટે રાજ્યો ઊથલી જતાં અને લાખો પુરુષો રુધિરની નદીઓમાં તરતા તે સ્ત્રી હજી આ યુગમાં જેવી ને તેવી જ છે ! જે પુરુષ સ્ત્રી માટે રાજ્ય ખોવાને તત્પર થતો, પોતાનો અને પારકાનો પ્રાણ વિના મૂલ્ય ખરચી નાખતો, તે પુરુષ પણ હજી તે જ છે. સમયે ફેરફાર કર્યો હોય તો તે માત્ર સાધનોમાં, પરંતુ વૃત્તિઓ તેની તે જ !

છતાં આઝાદની કહેવાતી મૈત્રીથી જે લાભ મળી શકે એમ હોય તે હું જતો કરવા હું તૈયાર નહોતો. મારી જવાબદારીનું મને ભાન થયું, અને ઠગ