પૃષ્ઠ:Trishanku.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪ : ત્રિશંકુ
 

બીજે હાથે વીંટી ફેરવવા માંડી.

‘તે પહેલાં, સરલા ! આ તારી કહેવાતી બેંક ખોલી દે.' કિશોરે સખતાઈપૂર્વક સરલા સામે કૅશબૉક્સ ધરી. સરલાના મુખ ઉપર ખોટું લાગ્યાનાં સ્પષ્ટ ચિહ્ન દેખાયાં. કૅશબૉક્સ હાથમાં લઈ તેણે કહ્યું :

'એમ? મારો વિશ્વાસ ન બેઠો ?' અને તેણે પેટીને કૂંચી લગાડી પેટી ખોલી, તો અંદર પચીસ રૂપિયા કરતાં વધારે રકમ તેને દેખાઈ. એ રકમ તેણે જમીન ઉપર ખંખેરી બહાર કાઢી અને ખંખેરતા તેણે કહ્યું :

'હાય, હાય ! હમણાં તો ખાલી કરી ગઈ છું. તમે મશ્કરી તો નથી કરતા ને ?... અંદર જાતે નાખીને ? મારો તો જીવ ઊડી ગયો !'

સરલાની સામે જોયા વગર કિશોરે કહ્યું :

‘સરલા ! કરકસર સારી છે, કરકસરની જરૂર પણ છે. પરંતુ રોટલો રળનારને છેતરીને કરકસર ન કરીશ.'

'તમને છેતરું ? આજ સુધી નહિ ને અત્યારે ? તમને છેતરું એ પહેલાં હું ફાટી કેમ ન પડું?' કહેતાં કહેતાં સરલાની આંખમાં અશ્રુ ઊભરાઈ આવ્યાં. તારા પાસે જ ઊભી હતી. એણે કહ્યું :

'શું છે ભાઈ? એ પૈસા તો મેં નાખ્યા છે.'

'ચૂપ રહે. ભાભી, નણંદ બન્ને મળી મને ન છેતરો !' કિશોરે કદી, ન વાપરેલી સખતાઈ એના બોલમાં વ્યક્ત થતી હતી.

'મારી જાતના સોગન, ભાઈ ! જો મેં એ પૈસા મારી જાતે મૂક્યા ન હોય તો.' તારાએ પણ સભ્યતાપૂર્વક છતાં જોરથી સત્ય હકીકત કહી.

'તું ક્યાંથી લાવી ? તારી સ્કૉલરશિપની રકમ તો હમણાં જ વપરાઈ ગઈ. ખોટું સમજાવીશ નહિ.'

‘મને દર્શનકુમારે પૈસા આપ્યા.'

'એનાથી ઓરડીનું ભાડું તો અપાતું નથી ! અને એ તને પાછો પૈસા આપે ?' કિશોરે તારાની વાત માનવાની વૃત્તિ જરાય દર્શાવી નહિ. પરંતુ તારા ચીવટાઈથી ભાઈને સત્ય હકીકત સમજાવવા મથી :

'જુઓ, ભાઈ ! હમણાં તો એમનું પત્ર સારું ચાલે છે, અને એમને સારો પગાર મળે છે. કહે છે કે તમે જ એમને આગ્રહ કરીને પ્રેસમાં મોકલ્યા હતા.'

‘તને દર્શન શાનો પૈસા આપે ?' કિશોરે પૂછ્યું.

હું કદી કદી એમને કેટલીક નકલો કરી આપું છું... અને ટાઈપિંગ શીખું છું... તેમાંથી મને રૂપિયા આપ્યા.