પૃષ્ઠ:Trishanku.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬ : ત્રિશંકુ
 


‘પરંતુ એ હડતાળ આપણે ગમે તેમ કરી અટકાવવી પડશે.' શેઠસાહેબે કહ્યું.

‘હવે બીજો માર્ગ દેખાતો નથી. પૈસાનો જ પ્રશ્ન છે. મજૂરી કરનારને પગારની રકમ મળી જાય તો જ હડતાળ અટકે.'

'જાણું છું દુનિયામાં પૈસા વગર બીજો પ્રશ્ન જ નથી... અને હું જાઉ છું પણ પૈસાની તજવીજમાં. તમે જાણતા હશો કે આપણા મેનેજર પણ પૈસા ઊભા કરવા માટે જ સવારના બધે ફરે છે; તજવીજ તો બનતાં સુધી થઈ જશે પરંતુ પૈસા આવે ત્યાં સુધી તમારે અહીં જ રોકાવાનું.'

'પણ શેઠસાહેબ ! એ કામ કૅશિયરને સોંપીએ તો ?' કિશોરે પૂછ્યું.

'મારે એ કામ સોંપવું નથી. પૈસા અહીં આવ્યા વિના રહેશે નહિ. એ રકમ તમારા જેવા વિશ્વાસપાત્ર અમલદારના હાથમાં જ રાખવી જોઈએ. અને તમને કોઈના તરફથી પણ રકમ મળે કે તત્કાળ આપણી મિલના મેનેજરને પહોંચાડી આપવી. અrધ રાત થાય કે મધરાત પણ થાય. પણ તમારે ખસવું નહિ.'

‘વારુ, સાહેબ !' કિશોરે કહ્યું.

'જુઓ, અહીં બેસવું હોય તો અહીં, અને તમારી રૂમમાં જવું હોય તો ત્યાં. છ વાગી ગયા છે... ને રાતના બાર સુધીમાં જો રકમ ન આવે તો તમારે મને ફોન કરવો.'

વફાદાર નોકર તરીકે કિશોરને શેઠની આજ્ઞા માન્ય રાખ્યા વગર ચાલે એમ હતું જ નહિ. એ બેજાર તો બની ગયો હતો; ઘર તરફ પણ આજ તેની મીઠી નજર ન હતી. આખી દુનિયા તરફ તેને કંટાળો આવી ગયો હતો - ખાસ કરીને અત્યારે તો શેઠ તરફ અને પોતાની નોકરી તરફ. 'હા.' કહીને તે પોતાની ઑફિસરૂમ ઉપર આવ્યો. સહી કર્યા વગરના કાગળો બાકી હતા તે ફરી હાથમાં લીધા અને તે ઉપર સહીઓ કરી નાખી. એટલામાં ઘડિયાળે સાત ટકોરા વગાડ્યા. ઓફિસના કાગળ તો કંઈ હતા નહિ એટલે કિશોરે વાંચેલું વર્તમાનપત્ર ફરી વાંચવા માંડ્યું અને તે પણ વંચાઈ ગયા પછી એણે જાહેરખબરોનો વિભાગ ધ્યાનથી વાંચવા માંડ્યો. કોઈ પણ જરૂરી કામ ન હોય ત્યારે જાહેરખબરો બહુ સુંદર વાચન પૂરું પાડે છે. સાતના ટકોરા થયા. થોડી વાર કિશોર વીજળીની બત્તી સળગાવી ઑફિસરૂમમાં ફર્યો. રૂમની બહાર પણ તેણે નજર કરી. ટેલિફોનની ડિરેક્ટરીમાં કેટલાક નંબરો અને નામ ધ્યાનપૂર્વક વાંચવા માંડ્યા. આઠનો ટકોરો થયો અને એટલામાં મોટરકારનું ભૂંગળું વાગ્યું. કિશોરે સહજ રાહત અનુભવી. શેઠસાહેબ તરફથી અગર મેનેજરસાહેબ તરફથી પૈસા આવી