પૃષ્ઠ:Trishanku.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪: ત્રિશંકુ
 

ચીસ ખૂબ વ્યાપક બની ગઈ હતી. જાળીમાંથી કિશોરનો હાથ અદૃશ્ય થઈ ગયો અને જાળી બહારથી કિશોરનું મુખ અદૃશ્ય થઈ ગયું.

રાત્રીને રમતની ખોટ હોતી નથી. માનવી દિવસે પણ કાળાં કર્મો તો કરે છે, પરંતુ તે દિવસે થઈ શકે એવાં હોય છે. દિવસે. ન થઈ શકે એવાં કાળાં કૃત્યો માટે રાત્રી સારા પ્રમાણમાં સગવડ આપે છે. અલબત્ત, દિવસનાં અને રાત્રીનાં કાળાં કર્મો માટે ભિન્નભિન્ન કળા અને ભિન્નભિન્ન આવડતની જરૂર હોય છે.

વ્યવસ્થિત રાજ્યવહીવટ રાત્રીનાં કાળાં કૃત્યોથી નાગરિકોને સાવધાન રાખવા મથે છે. એ સાવધાનતાના પ્રતીક સરખી પહેરેગીરની બૂમ વાતાવરણને જાગૃત કરી ગઈ. એ ગર્જના ચોરોને ભગાડવા માટે હશે કે સૂતેલાને જગાડવા માટે હશે તેનો નિર્ણય જાગનારને અને ચોરોને જ સોંપવો જોઈએ. કરાળ કાળને પણ જાગૃત કરે એવી પહેરેગીરની બૂમ પડવા છતાં તેને ન ગણકારી નિદ્રાવસ્થાને વળગી રહેનાર સુખી જીવો પણ નહિ હોય એમ માનવાને કારણ નથી ! બૂમ સાંભળીને એક પડછાયો કોઈ ભીંત, પાછળ અદ્રશ્ય થયો અને થોડીક ક્ષણ પછી એ જ મકાનની અગાસી ઉપર દેખાયો. પહેરેગીર પોતાની ફરજ બજાવી બીજે સ્થળે ફરી બૂમ પાડવા માટે આગળ વધ્યો અને પડછાયામાંથી અગાસીમાં કોઈ માનવદેહ ફરી અદૃશ્ય થઈ એક ધનિકના સરસ શૃંગારિત ખંડમાં ધીમે રહીને દાખલ થયો. એ સરસ ખંડમાં સુંદર પલંગ ઉપર એક પુરુષ સૂતો હતો. તેની સામે પેલો માનવદેહ ક્ષણભર ઊભો રહ્યો અને તેણે છરી બહાર કાઢી. હસતે મુખે આનંદમય સ્વપ્ન નિહાળતા સૂતેલા ગૃહસ્થનું નામ જાણવાની જરૂર નથી. પરંતુ તેમને એ છૂપા ફરતા દેહે જાગૃત કર્યો. એ દેહમાં બદલાયેલો કિશોર હવે સ્પષ્ટ દેખાઈ આવ્યો.

‘શેઠસાહેબ ! જરા જાગૃત થાઓ, ઝડપથી !' કિશોરે ધીમેથી પણ મક્કમપણે કહ્યું.

શેઠસાહેબ જરા હાલ્યા અને પડખું ફેરવી મીંચેલી આંખે પાછા સૂતા સ્વપ્નને બદલવાની તેમને ઈચ્છા હોય એમ દેખાયું નહિ, પરંતુ કિશોર તેમના સ્વપ્નને ચાલુ રાખવા માગતો નહોતો. તેણે શેઠના દેહ ઉપર ટપલી મારી અને શેઠ સફાળા પથારીમાં બેઠા થઈ ગયા. સામે છરી ધારણ કરી ઊભેલા પુરુષને જોઈ ગભરાઈ જઈ તેઓ બોલી ઊઠયા :

'શું છે, ભાઈ?'

'કાંઈ નહિ, નાની સરખી વાત છે... જો તમે હજી સમજ્યા ન હો તો હું સમજાવું....'