પૃષ્ઠ:Trishanku.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬ : ત્રિશંકુ
 

જ. પરંતુ એ સઘળી ઇચ્છા, અભિલાષા અને તમન્ના હવે ટાઢી પડી ગઈ હતી અને તેના સ્મરણને ઉથલાવવાની ઉગ્રતા પણ તેણે ગુમાવી દીધી હતી. મધ્યમ વર્ગનો, ધૂમ્રમાં વીખરાઈ જતા જલતા - જળી રહેલા - હૃદયનો, પત્ની, બાળકો અને બહેનમાં જ પોતાનું ઉત્સાહહીન જીવન રેડતો, આશાહીન, સંજોગના બળ વડે સંસારપ્રવાહમાં તરતો એક નિરુપદ્રવી નિષ્ક્રિય સારો માણસ બનીને તે કદી કદી સ્વતિરસ્કારમાં ઊતરી પડતો ગૃહસ્થ બની રહ્યો હતો - જે ગૃહસ્થની સંખ્યા મજૂરોની માફક વર્તમાન યુગમાં વધતી જ ચાલી છે. મહેલના ગુંબજ અને મિનારા એક વાર જોતી એની આંખ એક ચાલીની ત્રણેક ઓરડીની સીમામાં સમેટાઈ ગઈ હતી.

અને એની પત્ની સરલા ?

જેને આર્થિક અને કૌટુમ્બિક મુશ્કેલીઓમાંથી જીવનભર મુક્ત રાખવાનું સ્વપ્ન કિશોર સેવતો હતો, તે એક અર્ધ તૂટેલી ચટાઈ ઉપર બેઠી બેઠી, કલ્પનામાં ઝિંક અકળ દ્રશ્યો નિહાળતી, પતિના આગમનની રાહ જોયા કરતી હતી, એ તો કિશોરે પોતાની ઓરડીનું બારણું ખોલતાં બરાબર નિહાળ્યું. ચાલીઓમાં રહેનારે સામાન્યતઃ પોતાની કોટડીઓનાં બારણાં બંધ જ રાખવાં જોઈએ એવો ચાલીનિવાસનો કાયદો હોય એમ લાગે છે. છતાં નિત્યક્રમ અનુસાર કિશોરને આવવાનો સમય થતાં બારણું બંધ રાખીને સરલાએ બારણાની સાંકળ ખોલી નાખી હતી. પતિએ અંદર પ્રવેશ કરતાં બરોબર ચટાઈ ઉપર બેઠેલી પોતાની પત્ની સામે પગારનું પડીકું ફેંક્યું, જે સરલાના પગ પાસે પડ્યું. કિશોર અને સરલાએ પરસ્પર સામે નિહાળ્યું. પરંતુ સરલા ન કાંઈ બોલી, ન કિશોર કાંઈ બોલ્યો. પડીકું ફેંકીને તે અંદરની ઓરડીમાં ચાલ્યો ગયો. બહારનાં કપડાં કહાડી ઘરનાં વસ્ત્રો પહેરી હાથપગ ધોઈ, સરલા બેઠી હતી એ ઓરડીમાં કિશોર પાછો આવ્યો, અને એક આરામ ખુરશી ઉપર પગ લંબાવી પડ્યો, આરામખુરશી ખરેખર તેના દેહને આરામ આપતી હશે કે કેમ એ પ્રશ્ન પોતાના હૃદયમાં સમાવતી સરલા હજી પૈસાના પરબીડિયાને સ્પર્શી જ રહી હતી.

ઓરડીમાં ફર્નિચર નજીવું હતું, અને હતું તે પણ ઓરડીની સામાન્યતાને સ્પષ્ટ કરે એવું હતું. કૉલેજમાં ભણતી કિશોરની બહેન તારાએ આવી એક નાનકડી ટિપાઈ પર ચાનો પ્યાલો ગોઠવ્યો અને તે ઓરડીના નાનકડા ભાગમાં ચાલી ગઈ : જે તરફ ન કિશોરનું ધ્યાન હતું. ન સરલાનું ધ્યાન હતું. કિશોરે કાંઈ પણ બોલ્યા વગર ચાનો પ્યાલો ઉપાડી ચા પીવા માંડી અને સરલાએ કાંઈ પણ બોલ્યા વગર પગારનું પડીકું ખોલી પૈસાની