વાર્તાલાપ કરતી સંભળાઈ :
'જોયું ને હવે !' પેલી સ્ત્રીએ આંખમાં મહાજ્ઞાન લાવીને કહ્યું.
‘પણ, બાઈ ! આવું ધારેલું નહિ.' બીજી સ્ત્રીએ જવાબ આપ્યો.
‘એ તો ધારી જ લેવું... બહુ ફૂટડાં થઈને ફરવું હોય એટલે વરને તો ચોરી જ કરવી પડે ને ?' ત્રીજી સ્ત્રીએ વાતમાં ટાપસી પૂરી.
‘અલી બહેન ! આ તો ભારે કહેવાય ! ઉજળિયાત વર્ગના કુટુંબો વસતાં હોય ત્યાં આવું ન બનવું જોઈએ.’ ચોથી સ્ત્રીએ કહ્યું.
‘બગભગત તીરથધામમાં જ વસે ! પીળું એટલું સોનું ન માનશો.' પહેલી સ્ત્રીએ જ્ઞાન ફેલાવ્યું.
'હવે જઈ જઈને બેસજો, રોજ વાતો કરવા !' બીજી સ્ત્રીએ નિંદાથી આગળની ભૂમિકામાં પગ મૂક્યો.
‘વધારે તો તું બેસતી હતી ! મને પહેલી લઈ જનાર જ તું !' ત્રીજી સ્ત્રીએ અપરાધની ફેંકાફેંકી કરવા માંડી.
'હવે આટલેથી જ પત્યું એમ કહો ને? ચોરી પાછળ એ ઘરમાં શું શું નહિ થતું હોય ? બચી ગયા માનો !' ચોથી સ્ત્રીએ માળાની સ્ત્રીઓની નીતિ સચવાયાનો સંતોષ લીધો. જોકે નીતિની કોઈની પરીક્ષા આપવી પડતી નથી એટલું જ સારું છે.
માળામાં પણ સાર્વજનિક સ્થાનો હોય છે ખરાં ! એ સ્થાનોમાં આખા ગામની વાત તો જરૂર ચર્ચાય, પણ સાથે સાથે માળામાં રહેતાં સ્ત્રીપુરુષ અને બાળકનાં ગુપ્ત ઓળખાણો પણ થાય છે અને ફેલાય છે. બંગલાઓ અને ફ્લૅટોમાં રહેનાર સુખી કુટુંબોને બારણાં બંધ કર્યા પછી એકબીજાની કશી જ કનવાર રહેતી નથી; સહુ પોતપોતાને માર્ગે એકબીજાના જીવનમાં પ્રવેશ કર્યા સિવાય જઈ શકે છે. પરંતુ ચાલીઓ અને માળામાં સહુની જિંદગી સાર્વજનિક બની જાય છે. માળાની જનતાને ફેરિયાઓએ વર્તમાનપત્રો દ્વારા સમાચાર પહોંચાડ્યા જ હતા કે કિશોર જેવા સૌમ્ય, શાંત અને પરગજુ ગણાતા ગૃહસ્થ ચોરીનો ગુનો કર્યો હતો અને તે પકડાઈ પણ ગયો હતો. કોઈને કિશોરના કુટુંબ પ્રત્યે સહાનુભૂતિ થઈ હોય એમ દેખાયું નહિ.
હા, એક કુટુંબની વાતચીત આછી સહાનુભૂતિ ભરેલી હશે ખરી ! એક કુટુંબની ઓરડીમાં સાદડી ઉપર સાથે બેસી પતિ-પત્ની ચા પી રહ્યાં હતાં. પતિની પાસે છાપું પડ્યું હતું, પત્નીની આંખમાં કાંઈ ચમક હતી. એણે છાપું વાંચ્યું હતું, અને પતિની સાથે વાત ચર્ચવાની ઈંતેજારી તેની