પૃષ્ઠ:Trishanku.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦: ત્રિશંકુ
 

છે. તારાની સામે થવાનું આ શક્તિહીન વિષયી યુવાનમાં બળ રહ્યું હતું કે નહિ એની ખબર માત્ર ઈશ્વરને જ હોય ! પરંતુ તેણે હિંમત જરૂર કરી. આગળ ધસી, ઊભી થવા જતી તારાનો હાથ પકડી બીજે હાથે તેના મુખ ઉપર પોતાનો હાથ દબાવી દીધો !

પરંતુ તેની પાછળ હાસ્યનો અવાજ આવતાં તેણે એકાએક પોતાના પ્રયત્નો જતાં કર્યા અને પાછળ જોયું તો દર્શનને હસતો ઊભેલો નિહાળ્યો!

'બસ કરો, યુવાન વકીલસાહેબ ! મારી એક સલાહ ગાંઠે બાંધી રાખો. સ્ત્રીઓ સાથે કાંઈ પણ ઝઘડો થાય તો તેમાં હાર કબૂલી બે હાથ ઊંચા કરી શરણ સ્વીકારવું. સારામાં સારો માર્ગ છે... પછી એ સ્ત્રી પોતાની પત્ની હોય કે ન હોય તોપણ !' દર્શને સ્વસ્થતાપૂર્વક સલાહ આપી.

વાંકમાં આવેલો ધનિક કદી, પરાજય કબૂલ ન જ કરે. અણધાર્યો દર્શન આવ્યો એથી તો યુવાન વકીલનો ક્રોધ ઘણો વધી ગયો. તેણે ગુસ્સે થઈ કહ્યું :

‘તેમ નહિ કરું તો ?'

‘ઝઘડામાં ત્રીજા માણસનો પુરાવો તમને ભારે થઈ પડશે.' દર્શને કહ્યું.

‘તારા ચીંથરા સરખા છાપાનો મને ભય બતાવે છે શું ?'

‘તમને ભય લાગતો હોય તો હું જરૂર લગાડું... મારું છાપું કોઈની પણ શરમ કે શેહ રાખતું નથી.'

'અરે, તારા આખા છાપાને... તને અને તારા માલિક સુધ્ધાંને.... હું ખરીદી લઉં એમ છું !... આજની જ રાતમાં !' યુવાન વકીલને પોતાના પિતાના ધનની ઠીકઠીક ખુમારી હતી !

'એ પ્રસંગ જ્યારે આવશે ત્યારે આપણે યોગ્ય શરતો કરી લઈશું... પરંતુ તે પહેલાં આ ખંડ છોડી તમે એકદમ ચાલ્યા જાઓ !' દર્શને પોતાનું સ્વાભાવિક સ્મિત હળવું કરી કહ્યું.

'આ ખંડ મારો છે ! તારા ઉપર મહેરબાની કરી મેં એને એ ખંડ આપ્યો છે... તારી પોતાની ભલામણને અંગે !... તમે મહેરબાનીને લાયક નથી... તમે બન્ને અહીંથી જઈ શકો છો, આ જ ક્ષણે !' યુવાન વકીલે ઘર ઉપરનો માલકીહક્ક વાપરતાં કહ્યું.

'જુઓ, વકીલસાહેબ ! હું અહિંસક છું એટલે તમારા દેહને હું ભારે નુકસાન તો નહિ કરી શકું. પણ... તમે જો પગ હમણાં જ નહિ ઉઠાવો તો અમારા જતા પહેલાં તમને તો તમારા આ ખંડની બહાર જરૂર મોકલી