પૃષ્ઠ:Trishanku.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮: ત્રિશંકુ
 

મિચકારવી છે ! એમને કોઈ ફટકાની સજા કેમ કરતું નથી ?' તારા ગુસ્સો કરીને બોલી, દર્શનથી કંઈ ગુસ્સો થઈ શકે એમ હતું જ નહિ. તેણે પોતાની સ્વાભાવિક હળવાશથી કહ્યું :

'હમણાં સ્ત્રીઓએ ચંપલનો પ્રયોગ ઠીકઠીક કરવા માંડ્યો છે, એટલે સરકારે ફટકા મુલતવી રાખ્યા છે !...તો હું સુખલાલને શો જવાબ આપું?'

તારાએ હસીને જવાબ આપ્યો :

‘તું કહે તો ચંપલની ભેટ મોકલાવું... નહિ નહિ, દર્શન ! જો પેલું દ્રશ્ય... દેખાય છે પેલી કુમુદિની ?'

સરોવરમાં એક નહિ પણ અનેક ખીલેલા પોયણાં નજરે પડતાં હતાં. તારાએ વાત લંબાવતાં કહ્યું :

'એના ઉપર પેલો એક ભમરો ઊડી રહ્યો છે, રાત છે તોયે. દેખાય છે ને, દર્શન ?'

ખરેખર પોયણા ઉપર એક ભમરો અત્યારે પણ ઊડતો હતો !

તારાએ આગળ કહ્યું :

‘છતાં કુમુદિની એ ભમરા માટે નહિ પણ ચંદ્રને માટે ખીલી રહી છે!'

ખરેખર આકાશમાં ચંદ્ર અને સરોવરમાં કુમુદિની બંને સામસામાં હસી રહ્યાં હતાં !

ફરી દૂરથી સુખલાલ જરા પાસે આવીને ફરતો દેખાયો. તારાએ દર્શનને કહ્યું :

‘દર્શન ! તારા તંત્રી સુખલાલને આ દૃશ્ય સમજાવજે.'

‘એને એ દૃશ્ય નહિ સમજાય ! પત્ની શોધતા પુરુષને કુદરતના દૃશ્યનું રહસ્ય જોઈતું નથી, તેમને નક્કર પત્ની જોઈએ છે. જરા તું ગંભીર બનીને જવાબ આપ, તારા !'

‘તો કહેજે કે ભાઈ છૂટીને આવે નહિ ત્યાં સુધી કશો જ વિચાર થઈ શકે એમ નથી. ભાઈ આવે ત્યારે સહુથી પ્રથમ એમની બેંક ભરેલી દેખાડવી છે.' તારાએ કહ્યું અને તે ઊભી થઈ. દર્શન પણ તેની સાથે જ ઊભો થયો. બન્ને જણે તારા અને સરલાના નવા ઘર તરફ પગલાં માંડ્યાં. તારાનો જવાબ સુખલાલને વચમાં મળ્યો કે નહિ એ તો કોણ જાણે ! પરંતુ થોડી વારમાં સરલાનું નવું મકાન બન્ને જણને દેખાયું. આજે પણ દુનિયાનો પગારદિન હતો.

આગલી ઓરડીમાં નાનકડો અમર પોતાની જુદી પેટીમાં ગળી ટીકડીઓ નાખી અંદર ચાલ્યો જાય છે.