પૃષ્ઠ:Trishanku.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો આવકારઃ ૧૮૫
 

'ભાઈ ! તું છે કોણ? લાગે છે તો ભણેલો-ગણેલો !'

'હા. જી. હું ભણેલો-ગણેલો ચોર છું. ચોરી કરતાં પકડાયો એટલે ચોરી નિષ્ફળ ગઈ, અને બદલામાં મને કેદખાનું મળ્યું. આજે જ હું કેદખાનામાંથી છૂટીને આવ્યો છું.'

‘તો પછી આના કરતાં બીજું કયું વધારે સારું સ્થળ તને મળવાનું છે?' સાધુએ કહ્યું.

'પવિત્ર ધામમાં મારા જેવા અપવિત્રને કેમ રહેવા દેવાય ?'

‘સાધુના ધામમાં સહુ સમાય - ચોર, ડાકુ, પાપી, આતતાયી !...અને જો સાંભળ, અમારો સિદ્ધાંત... આ જીવનમાં આવનાર, જન્મમરણના ફેરામાં પડનાર સહુ કોઈ ચોર છે અને કેદી પણ છે. મુક્ત. જીવ આ શરીરમાં કેદ કેમ પડે છે ?... કંઈ ચોરી કરી હોય માટે જ. તારા કરતાં ઘણા વધારે ભયંકર ચોર અહીં આવી વસી ગયા છે... અલ્યા, ઘરબાર છે કે નહિ ?' સાધુએ પોતાની ફિલસૂફી સમજાવી કિશોરને પ્રશ્ન કર્યો.

‘છે !... પણ મને લાગે છે કે એ લૂંટાઈ ગયાં છે !'

'એવું લાગે પહેલા દિવસે. થોડા દિવસ સ્થિર થા અહીં. આ એકાંતમાં તને કોઈ ઓળખશે નહિ; હું પણ તને પૂછીશ નહિ કે તું કોણ છે. અને ધીમે ધીમે ઘર તરફ જરા નજર નાખી આવ... ઘર લૂંટાયું હોય તોપણ પગ ઊપડે તો પહેલો ઘરમાં જ જજે. નહિ તો અહીં ચાલ્યો આવજે. જેને ઘર ન હોય તેનું ઘર આ ઝૂંપડી. જેને કંઈ ધંધો ન હોય તેનો ધંધો રામ નામનું રટણ.' સાધુએ કિશોરને શિખામણ દીધી.

ઈશ્વરમાંથી શ્રદ્ધા ગુમાવી બેઠેલા કિશોરે સાધુ પાસે બેસી સહજ હસી સાધુની શિખામણમાં શંકા ઉઠાવી :

‘એ તો ઠીક, મહારાજ ! પરંતુ એ રામરટણમાંથી ખોરાક મળશે ? રહેવાને ઘર મળશે ? માંદગીની દવા, મળશે ?'

‘મળવું જ જોઈએ. ન મળે તો રામનું રટણ ખોટું ઠરે.'

‘એ ખોટું ઠરી ચૂક્યું છે, મહારાજ !'

'શા ઉપરથી કહે છે, ભાઈ ?'

‘હું કમાનાર કેદમાં ગયો ત્યારે મારી પત્ની મારા જ દુશ્મન શેઠ સાથે કારમાં બેસી ચાલી ગઈ ! એને છરી ભોંકવાની મને ઇચ્છા થઈ. પણ, મને પછી વિચાર આવ્યો કે નિરાધાર સ્ત્રી બીજું કરે પણ શું ? ધનિકને શરીર સોંપ્યા સિવાય ? કહો, મહારાજ ! રામથી બીજું શું થયું ?'

‘રામ, રામ, રામ ! બેટા ! કંઈ ભૂલ થાય છે તારી. આપણી સીતાઓ