પૃષ્ઠ:Trishanku.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮: ત્રિશંકુ
 

ખાનું ખોલવું પડે !' આટલું કહી રહી શેઠસાહેબ પોતાના શબ્દોની સરલા ઉપર થતી અસર નિહાળવા થોભ્યા. અને એકાએક સરલાએ શેઠને ચમકાવતો જવાબ આપ્યો :

'કુટ્ટણખાના કરતાં ભઠિયારખાનું વધારે સારું, નહિ ?'

'કોણે તમને એ શબ્દ આપ્યો?' શેઠે પૂછ્યું.

‘આપનાં પત્નીએ ! શેઠાણીએ ! એ તો કહે છે કે આપની આખી મહેલાત એ કુટ્ટણખાનું છે.'

'એ વસ્તુ સાચી છે કે કેમ તે પુરવાર કરવાની હું તક આપું તો ?'

'કેવી રીતે તમે મને એ તક આપશો ?'

‘મારી સાથે તમે ફરવા આવો તો તમને ઝડપથી સમજાશે... મારી કાર તૈયાર છે.'

‘ઘર સૂનું મૂકીને મારાથી ક્યાંય પણ જઈ શકાય એમ છે નહિ... અને છોકરાં માટે રસોઈ કરવાની હજી બાકી છે.' સરલાએ શેઠના આમંત્રણનો જવાબ આપ્યો.

'આપણે સારામાં સારા ભોજનાલયમાંથી તમારા આખા કુટુંબને ચાલી રહે એવી વાનીઓ લઈ આવીએ... તમને ગમે એવી.'

'મને મારા હાથની બનાવેલી વસ્તુઓ. વગર જમવું ફાવતું નથી.' સરલાએ જવાબ આપ્યો. જગજીવનદાસના આગ્રહ પાછળની ભાવના સરલા ક્યારનીય સમજી ગઈ હતી.

‘હું પણ તમારા હાથની રસોઈ જમું - જો તમે મારી એક વિનતિ સ્વીકારો તો.’ કહી જગજીવનદાસ શેઠ ખુરશી ઉપરથી ઊઠી ઊભા થયા અને સાદડી ઉપર સરલાની નજીક બેસી ગયા. સરલાને ભય લાગ્યો કે ક્રોધ ઊપજ્યો તેની સરલાને પોતાને જ ખબર પડી નહિ.

‘તમારી વિનતિ શી હશે એ હું સમજી શકું છું. મારે કોઈની વિનતિની જરૂર નથી.' સરલાએ પાસે બેસી ગયેલા જગજીવનદાસને જવાબ આપ્યો.

‘તમે મારી વિનતિ હજી પૂરી સમજ્યાં નથી. જુઓ, તમારા હાથમાં શું શોભે તે હું તમને બતાવું, અને સાથે મારી વિનતિ શું છે તે પણ સમજાવું... આ બંગડીઓ તમને ગમશે ?' કહી જગજીવન શેઠે ખિસ્સામાંથી કિંમતી બંગડીઓ કાઢી સરલાની પાસે મૂકી દીધી અને સ્મિત સહ સરલાના મુખ સામે જોયું.

ભીંતના બાકામાંથી હજી નજર ખસેડી ન શકેલા કિશોરના બન્ને હાથની મુઠ્ઠીઓ આપોઆપ વળી.