પૃષ્ઠ:Trishanku.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પૃથ્વી ઉપર પગ: ૨૦૮
 

'કહું? મનાશે ?... બંગડી અર્પણ અને શેઠના પલાયન વચ્ચે... મેં શેઠને તમાચો મારી... બંગડીને લાત મારી... અને બંગડી ઉપાડતા શેઠને બિલાડીએ નહોર ભર્યા !... મને સાચી સહાય આપી બિલાડીએ...'

'તો... હું માનતો હતો એ જ બન્યું !'

'અને છતાં વહેમ !... વહેમ માટે સ્ત્રીઓ જ સર્જાયેલી છે ને ?' અત્યંત દુઃખ સરલાની વાણીમાં ભર્યું હોય એમ કિશોરને પણ લાગ્યું.

‘સરલા ! હું માફી માગું છું... પણ કહે. મને કેદની સજા થાય તે જ દિવસે હું તને જગજીવન શેઠની જ કારમાં ફરતી જોઉં...!'

'ફરતી ?... તમે શું કહો છો ?' એ દિવસ સિવાય હું કદી એ કારમાં બેઠી નથી... અને રસ્તા ઉપર લોકો મારી દયા ખાય... હું બેસવાની ના કહું અને હજારો માણસો અમારી હુંસાતુંસી જુએ... એના કરતાં એ સ્થળેથી ભાગી જવું વધારે સારું એમ ધારી મને દર્શને ગાડીમાં ચડાવી જ દીધી ! મને તો કશું ભાન પણ ન હતું... તમારા સિવાય !' સરલાની આંખમાંથી ગરગર આંસુ ખરી પડ્યાં. પતિના કારાગારગમન પછી સરલાએ નિઃશ્વાસ પણ નાખ્યો ન હતો અને આંખમાંથી એક આંસુ પણ પડવા દીધું ન હતું, એ સરલાનો કંઠ બંધ થઈ ગયો અને એની આંખમાં આંસુદ્વાર ખુલ્લાં થઈ ગયાં ! કિશોરે ઘર પાસે આવતાં વાત બદલી :

'શું કરે છે દર્શન અને તારા ? બન્ને પરણી જાય તો...?'

'એ તો સોગન લઈને બેઠાં છે કે તમે જ્યાં સુધી કન્યાદાન જાતે આપો નહિ ત્યાં સુધી એ પરણશે જ નહિ... બંનેના હોંશભર્યા જીવનના નિસાસા હું માથે લીધા કરું છું...' સરલાએ જવાબ આપ્યો. કિશોરનું હૃદય અકથ્ય ભાવ અનુભવી રહ્યું હતું. શોભા અને અમરના સમાચાર પૂછતાં તેની આંખમાં આંસુ ઊભરાઈ આવશે એવો એને ભય લાગ્યો. સરલાએ તેનો હાથ છોડી દીધો હતો એ દર્દભર્યો ખ્યાલ પણ તેને આવ્યો. સરલાના હાથનો આધાર કિશોરને આવશ્યક લાગ્યો. એનાથી બોલાઈ ગયું :

‘મારો હાથ કેમ છોડી દીધો, સરલા ?'

'ઘેર આવતા હો તો હાથ પકડું...' સરલાએ સ્વસ્થ બનીને જવાબ આપ્યો.

'હું ઘેર ન આવું તો ?' કિશોરને પોતાના કલંકિત દેહનો વિચાર આવ્યો.

'તો?... હું તમારી રાહ જોતી બેસી રહીશ... જેમ આજ સુધી બેસી રહી છું તેમ.'