પૃષ્ઠ:Trishanku.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
દોજખમાં વિદ્યુત
 

સંધ્યાનો સમય તો થઈ ચૂક્યો હતો. ચાલીની બહારના ભાગમાં દીવા પ્રગટ થતા હતા. એ દીવા અજવાળું વધારતા હતા કે અંધારું એ પ્રશ્ન ઉકેલવાની ચાલીના રહીશોને ભાગ્યે જ ફુરસદ હોય છે. તારાએ બહાર આવી જોયું તો દર્શનની ઓરડી આગળ કેટલાંક માણસો ભેગાં થયાં હતાં, બાળકો પણ જ્યાં જગા મળે ત્યાં ઘૂસી જઈ નવાઈની વાત બનતી હોય એમ જોવા મથન કરતાં હતાં. અને એક ઊંચો મજબૂત પૂરમૈયો દર્શનની ઓરડીના બારણાને ધક્કો મારતો હતો. ભૈયાના હાથમાં કડિયાળી ડાંગ પણ હતી. આખો ત્રીજો પ્રહર અને સંધ્યાકાળ વિધવિધ ઓરડીઓના ભાડૂતોને ધમકાવી ભાડું ઉઘરાવવા નીકળેલો એ પ્રચંડકાય પુરુષ અત્યારે દર્શનની ઓરડીને ઉઘડાવવા મથી રહ્યો હતો. તારાને એથી વિશેષ કાંઈ જોવાપણું ન હતું. જોઈ, થોડી વાર ઊભી રહી એ બાળકો સાથે પોતાની ઓરડીમાં ચાલી ગઈ.

ભૈયો બૂમ પાડતો જ હતો :

'ખોલો ! જલ્દી ખોલો !... જ્યારે આવીએ ત્યારે બારણે તાળું ! કેટલે વખતે આજ હાથ લાગે છે... ખોલો છો કે બારણું તોડી દઉં?'

બારણે ટકોરા વાગે તોય આજે માનવી ગભરાઈ ઊઠે છે, આ તો બારણે ઠોકાઠોક થતી હતી તોય બારણું ઊઘડતું ન હતું. ભૈયાની બૂમ ઘેરી બનતી જતી હતી. અંતે બારણાને પણ ખૂલ્યા વગર ચાલે તેમ ન હતું. બારણું આછું ખૂલ્યું અને આસાયેશભર્યા મુખસહ દર્શન વચ્ચે દેખાયો. એણે ભૈયા સાથે વાતચીત શરૂ કરી :

'અરે છે શું, ભૈયાજી ! ધાડ પડી હોય એમ જાણે ?'

'સમજી લેજો કે આજ ધાડ પડી જ છે !... બારણું ન ઊઘડ્યું હોત તો હું એને તોડી નાખત.' ભૈયાએ ડર બતાવ્યો.

'એમાં મને કાંઈ હરકત નથી. તમારે જ બારણું ફરી બનાવવું પડત. પણ આ બધી ધાંધલનું કાંઈ કારણ ?'

'હજી તો કારણ પૂછે છે ?'