પૃષ્ઠ:Trishanku.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ : ત્રિશંકુ
 

અનુભવી શકતો હતો કે કેમ એની ખબર દર્શનને પણ ન હતી. સર્વ સંજોગોમાં હસતું મુખ રાખવાનો નિશ્ચય પાળવો કઠણ તો છે જ. આર્થિક મુશ્કેલીઓનાં અપમાન ભલભલા યોગીઓની સ્થિરતા ટાળી દે છે. ઘણી વાર ચારે પાસથી ઘેરાયેલો માનવી વિચારરહિત શૂન્યતામાં પ્રવેશ પામે છે. દર્શન પણ એવી જ કોઈ શૂન્યતામાં ઊતરી રહ્યો હતો અને તેની ઓરડીનું બીજું બારણું ખખડયું, એટલું જ નહિ, બારણાની ફાટમાંથી બે આંખો તગતગતી દેખાઈ.

'કોણ છે વળી ?... ચાલો, જેને આવવું હોય તે આવે !... ભૂતપ્રેત...'

દર્શન પૂરો વિચાર કરી રહે તે પહેલાં ફરીથી બારણું ખખડયું અને દર્શને ઊભા થઈ ખખડતી બારી ખોલી નાખી. 'મિયાઉં' શબ્દનું ઉચ્ચારણ કરી આંખો ચમકાવતી શોભાની કાળી બિલાડી કૂદીને બારીમાં બેસી ગઈ.

દર્શન હસ્યો. એણે બિલાડીને થાબડતાં કહ્યું :

'હા ! આ તો સતી તારામતી આવ્યાં. પધારો !'

બિલાડીને દર્શનની પણ માયા હોય એમ લાગ્યું. લપાતી તે દર્શનની સાથે ઓરડીમાં આવી અને ચાના પહેલા બે પ્યાલામાં એણે મુખ નાખવા માંડ્યું. મેજ ઉપર પડેલા એક વાડકામાં દૂધ સહજ ચોંટી રહ્યું હતું તે વાડકો બિલાડી પાસે મૂકી દર્શન બોલી ઊઠ્યો :

'તારામતી ! જે છે તેનાથી સંતોષ માની લેજો ! કોઈ માનવી કે પશુ પ્રત્યે પ્રેમ કરવા જેવી આજના કોઈ પણ હરિશ્ચંદ્રની સ્થિતિ નથી. દૂધ ભૈયાને આપેલા રૂપિયા સાથે વહી ગયું !'

વાડકામાં કાંઈ હતું જ નહિ. સહજ ચોંટેલું દૂધ બિલાડી ચાટી રહી.વધારે દૂધની ઈચ્છા તેણે પ્રગટ કરી પણ તેનો જવાબ દર્શને ક્યારનો આપી દીધો હતો. એટલે આ ચબરાક પ્રાણી ચારે બાજુએ નજર નાખી પોતાના પંજા વડે મુખ લૂછી, દર્શનના દારિદ્રય પ્રત્યે તિરસ્કારની આંખ ફેરવી, આવ્યું હતું તે જ માર્ગે એ પાછું કુદીને ચાલી ગયું. દર્શને બારી બંધ કરી. બારી બંધ કરતાં તેને વિચાર આવ્યો :

'પશુની અને આજના માનવીની આર્થિક સ્થિતિમાં કાંઈ ફેર હશે ખરો ?'

સરખામણીમાં દર્શનને પશુની આર્થિક સ્થિતિ માનવી કરતાં વધારે સુવ્યવસ્થિત લાગી. પશુ ચોરી શકે, ઝૂંટવી શકે, લૂંટી શકે ! માનવીને એ ત્રણેની બંધી. પશુને સંગ્રહખોરીની જરાય વૃત્તિ નહિ – કીડી અને મધમાખી સિવાય. ભૈયાને પૈસા આપી દીધા પછી દર્શને આવતી કાલનું દૂધ ક્યાંથી લાવશે એની ચિંતામાં પડ્યો જ હતો ! બે પ્યાલા ચાને બદલે એક પ્યાલો