શહેરમાં વસતા હતા. અઢીસો ! એટલે ? ત્રીસ દિવસ સુધી રોજના આઠ કલાકની કામગીરીનું મહેનતાણું ! કલાકનો લગભગ રૂપિયો એક પડ્યો ! બીજાને એટલું પણ ક્યાં મળતું હતું ? વિચાર કરતો કરતો કિશોર સરસ કપડાં પહેરી ઑફિસમાં આવી પહોંચ્યો. એના ઊંચા સ્થાનને લઈને કપડાં પણ સારાં જ પહેરવા પડતાં હતાં ! લિફ્ટબૉય કિશોરને સલામ કરી એકબે માળ ઊંચે લિફ્ટમાં ઉઠાવી ગયો. ખટકારા સાથે બારણું ખૂલ્યું અને કેટલાય કામ કરનારાઓની સાથે તે લિફ્ટમાંથી બહાર પડ્યો અને પોતાની કચેરી તરફ ચાલ્યો. સાફસૂફી કરી પરવારેલા પટાવાળાએ બારણું ખોલી કિશોરનું મહત્ત્વ વધાર્યું. અંદર એની પહેલાં આવીને બેઠેલા કારકુનોએ તેને સહજ માન આપ્યું અને મોટા ખંડમાં ઇલાયદા પડદા નાખી તૈયાર કરેલી તેની નાનકડી ઓરડીમાં તેણે પ્રવેશ કર્યો.
એને સ્વતંત્ર પંખો મળ્યો હતો એટલે ગરમી ઘટાડવા પંખામાં ભાગીદારી રાખવાની તેને જરૂર હતી નહિ. એણે પોતાનો કોટ ખુરશી પાછળ લટકાવી દીધો, પંખો ચલાવી દેહને જરા ટાઢક આપી, ઘર આગળ પૂરા ન વંચાયેલા છાપાને ખોલી ઝડપથી સમાચારો વાંચી લીધા અને દસેક મિનિટમાં ખમીસની બાંય ચડાવી પહેરેલી ટાઈની ગાંઠ હળવી કરી પાસે પડેલી ફાઈલો જોવામાં કિશોર મશગૂલ બની ગયો. એક કલાક થઈ ગયો, બે કલાક વીત્યા; એક-બે કારકુનોને ઘંટડી વગાડી તેણે બોલાવ્યા અને તેમની પાસેથી માહિતી મેળવી; કેટલાક કારકુનોએ પોતાની મેળે આવી કિશોરની પાસેના કાગળો સમજી લીધા; અને એક કાગળ વાંચતાં તે જરા ચમક્યો ! એ જ કાગળ એણે ફરી વાંચ્યો ! વાંચી રહી એણે ઊભા થઈ પોતાની ટાઈને પાછી ઠીક કરી અને ખુરશી ઉપરથી કોટ લઈ તે પહેરી કાગળ સાથે તેણે પોતાની કેબિન છોડી. ઑફિસના મુખ્ય ખંડમાંથી પસાર થતાં એણે કચેરીના કારકુનોનાં મુખ જોઈ લીધાં. સહુ કોઈ પોતપોતાના કામમાં પરોવાયેલા હોવા છતાં પ્રત્યેક કારકુન કિશોર ભણી એકાદ દૃષ્ટિપાત કરી લેતો હતો એ કિશોરે પણ નોંધી લીધો.
બહાર નીકળી એ શેઠસાહેબની ઑફિસરૂમ પાસે ગયો. શેઠ જગજીવનદાસ એક નહિ પણ અનેક ધંધામાં પડેલા એક દક્ષ પુરુષાર્થી ધનિક હતા. તેમની ઑફિસને દરવાજે દરવાન બેઠો હતો. કિશોરે દરવાનને પૂછ્યું :
'શેઠસાહેબ એકલા છે ને ?'
'ના જી.'
'કોણ છે. અંદર ?'