પૃષ્ઠ:Trishanku.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સહુ સહુની રમતઃ ૪૫
 


‘ટાઈપિસ્ટ... મેડમ સાહેબા !' જરા નીચું જોઈ દરવાને જવાબ આપ્યો.

'મારે મળવું પડશે શેઠસાહેબને.'

'અત્યારે મનાઈ છે.'

‘ભલે મનાઈ હોય. મારી વરદી આપો. સલામ બોલો.' કિશોરે કહ્યું.

અને જરા ખખડાટ કરતો દરવાન અંદર ગયો. કિશોરકાન્ત શેઠની ઑફિસમાં એક મહત્ત્વનો અધિકારી ગણાય. દરવાનથી તેને વધારે મનાઈ કરી શકાય એમ ન હતું. દરવાન અંદર જઈ શેઠની પરવાનગી લઈ આવ્યો અને તેણે કિશોરને શેઠના ખંડમાં પ્રવેશ કરાવ્યો. એ ખંડ 'એરકન્ડીશન્ડ’ હતો, અને તેની ટાઢક કિશોરે ચમક સાથે અનુભવી. શેઠની બાજુમાં એક ચબરાક રૂપાળી યુવતી બેઠી હતી – જે શૉર્ટહેન્ડ ટાઈપિસ્ટ અને શેઠના પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરતી હતી. કિશોર આવ્યો ત્યારે એ યુવતી પોતાનું સ્મિત સમાવી દઈ કાંઈ લખવાનો પ્રયત્ન કરી રહી હતી. શેઠસાહેબ ઊભા થઈ પોતાનો કોટ પહેરતા હતા તે કિશોરને જોઈ પાછા ખુરશી ઉપર બેસી ગયા. કિશોર મેજ સામે આવી ઊભા રહી શેઠને નમસ્કાર કર્યા.

'કેમ ? કેમ ચાલે છે, કિશોરકાન્ત ? અબઘડી જ કેમ આવવું પડ્યું?' શેઠે કિશોરને પૂછ્યું. કંઠમાંથી નીકળતા શબ્દો એક સફળ વ્યાપારીને શોભે એવી સ્થિરતાપૂર્વક બહાર પડતા હતા.

'જી ! એક મહત્ત્વનો કાગળ આપને બતાવવો છે.'

‘હું લંચ લઈ કલાકમાં પાછો આવું છું. જો સૉલિસિટરને ત્યાં નહિ ગયો હોઉં તો. એ પછી મને બતાવો.'

‘નહિ, શેઠસાહેબ ! મહત્ત્વનો કાગળ છે. આપની નજર પડવી જોઈ, હમણાં જ.'

'મેનેજરને બતાવ્યો ?' મેનેજરને બીજાઓએ “સાહેબ” કહેવું પડે, પરંતુ પગાર આપનાર શેઠને એ શબ્દ વાપરવાની જરૂર ન જ હોય.'

‘ના જી.'

'કેમ?... તો તે પહેલાં મારી પાસે કેમ લાવો છો ?'

'આજ મેનેજર સાહેબ આવવાના નથી.... આપે જ ગઈ કાલ એમની રજા મંજૂર કરી છે... અને ચાર્જ મારી પાસે છે.'

'અરે હા ! કેટલા કામમાં મગજ રોકવું ? ચાલો ઝડપથી કહી દો, કિશોરકાન્ત ! શું છે એમાં ?'