પૃષ્ઠ:Trishanku.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સહુ સહુની રમતઃ ૪૭
 

'શું કરું, શેઠસાહેબ ? વધતા જતા ખર્ચને પહોંચી વળવું... આબરૂ રાખવી... અને નફો કરી આપ્યા પછી મેં માગણી કરી હતી...'

'તે શું હું જાણતો નથી ? હું શું ઑફિસમાં આવીને ઘાસ કાપું છું? કોણ કેટલામાં છે એની મને ખબર નહિ હોય તો બીજા કોને ખબર હશે ? જુઓ કિશોરકાન્ત ! તમારા જેવા જૂના વફાદાર નોકરોએ આવે વખતે વધારે સારો દાખલો બેસાડવો જોઈએ. તમારી કદર હું નહિ કરું એમ ન માનશો. આટલો મહિનો જરા ચલાવી લો... રકમ અઠવાડિયામાં પાકે છે... ચઢાવી દો સહુને કામ ઉપર.... બધું પછી જોઈ લઈશું. અને હડતાલમાં ભાગ ન લેનારને લાભ પણ આપીશું.... શું સમજ્યા ?... શાબાશ ! હું જરા ઘેર જઈ લન્ચ પછી આવું છું... મને ફરી મળજો ને !' કહી કિશોર સામે જોઈ શેઠસાહેબ જરા હસ્યા અને કિશોરનો ખભો થાબડી ડોકું પાછળ ફેરવી રૂપાળી ટાઈપિસ્ટ પ્રત્યે તેમણે કહ્યું :

'કમ ઑન !.. તમે પણ લન્ચ લઈ આવો... પહોંચાડી દઉ તમને.' અને અત્યંત લાડભર્યા અભિનયપૂર્વક, નહિ જેવા પડેલા કાગળો ઊંચકી લઈ શેઠસાહેબ સાથે એ લલના શેઠના ઑફિસખંડની બહાર નીકળી. બહાર નીકળતે નીકળતે શેઠના દેહનો તેને થયેલો સ્પર્શ તેનામાં સંકોચ ઉપજાવતો લાગ્યો નહિ.

પાછળ રહેલો ઝંખવાયેલો કિશોર ખંડની બહાર આવ્યો. દરવાને તેને જરા નમન કર્યું અને લિફ્ટમાં બેસતા શેઠ અને સ્ત્રીટાઇપિસ્ટ તરફ જોઈ સહજ આંખ પણ મીંચકારી, એ દરવાનનો આંખ મીંચકાર સૂચવી રહ્યો હતો કે શેઠને અને ટાઇપિસ્ટને ઑફિસ-કામ ઉપરાંતનો પણ સંબંધ હતો એની ખબર શેઠના ખંડની બહાર પહોંચી ગઈ હતી ખરી !

કિશોર ઝંખવાયો ખરો, પરંતુ એના હૃદયે કદી ન અનુભવેલો એવો બંડઝોલો ખાધો. નોકરી ફગાવી શેઠના મુખ ઉપર રાજીનામું ફેંકવાની એને થયેલી ઈચ્છા એણે કચરી નાખી. એને પાંચ માણસનું પોતાનું કુટુંબ યાદ આવ્યું. એની નજર મકાનની બહાર શૂન્યતાપૂર્વક પડી. છતાં એ શૂન્યતાએ પણ એને દર્શાવ્યું કે શેઠસાહેબ લંચ લેવા માટે ઘેર નહિ પણ. કોઈ સારા આહારગૃહમાં જતા હતા, અને તે પોતાની પત્નીને સાથે લઈને નહિ પરંતુ એક યૌવનભરી કુમારીને લઈને – જેને શેઠસાહેબે થોડા પગારે ટાઇપિસ્ટ તરીકે જગા આપી અંગત સેક્રેટરીની જગાએ ચઢાવી જોતજોતામાં કિશોર કરતાં વધારે પગાર આપી દીધો હતો ! એ યુવતીનો પગાર અટકતો નહિ....પગાર અટકતો હતો પુરુષ-કારકુનો ને કામદારોનો!