કિશોરના હૃદયમાં વિચાર આવ્યો : શેઠસાહેબ તો લંચ લેશે... સરસ બનાવટો જમી શકશે... સુંદર યુવતી સાથે ચમકભરી વાતચીત કરી એને પણ જમાડશે.... પણ પગાર ન પામનાર નાના નોકર અને તેમનાં કુટુંબોનાં લંચનો કોને ખ્યાલ આવતો હશે ?... એમની પૂરી હકીકત સાંભળવાનો સમય પણ શેઠસાહેબ પાસે ન હતો !
કાર ક્યારની ચાલી ગઈ હતી. કિશોરે પોતાના પગ પોતાની ઑફિસની ઓરડી તરફ લીધા, અને એણે પોતાની સામે દર્શનને ઊભેલો જોયો.
‘કેમ દર્શનભાઈ ? તમે અહીં ક્યાંથી ?' કિશોરે પૂછ્યું.
'અમારા પત્રમાલિકે મને ઑફિસની બહાર ધકેલી દીધો છે.' દર્શને કહ્યું.
'કેમ? શા માટે ?'
'મને કહ્યું કે કાં તો સારી જાહેરખબર લાવ કે પત્રનો ફેલાવો વધે એવા સમાચાર લાવ; નહિ તો એને મારો ખપ નથી !'
‘તે... તમે ક્યાં જઈ આવ્યા ?'
'બીજે ક્યાંય ગયો નથી. અહીં જ પહેલો આવ્યો છું. બીજે ક્યાં દોરવણી શોધું, કિશોરભાઈ ?'
‘હં !' કહી કિશોર સહજ હસ્યો.
'કેમ હસ્યા ?'
'અમસ્તો જ. પણ તમે અમારા શેઠને ઓળખો છો ને ?'
'આમ અંગત ઓળખાણ નથી... પણ હમણાં કારમાં ગયા એ જ તમારા જગજીવનદાસ શેઠ ને ?'
'કોઈ ફેશનેબલ રૂપાળી યુવતી તેમના સાથમાં હતી, નહિ ?'
'હા. એ એમની પર્સનલ સેક્રેટરી છે.'
'ભણેલી બહુ હશે ! ગ્રેજ્યુએટ?'
'ભણેલી તો કોણ જાણે ! ગણેલી બહુ છે. એને શેઠસાહેબ લંચ ઉપર લઈ ગયા છે અને ઑફિસના કારકુનોને બે-ત્રણ માસથી પગાર મળ્યો નથી!'
‘તે... આપ કાંઈ કહેતા નથી ?
'કહ્યું પણ ખરું અને શેઠસાહેબનો જવાબ પણ સાંભળ્યો.'
'શો ?'