લખાણ પર જાઓ

પૃષ્ઠ:Trishanku.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સહુ સહુની રમતઃ ૪૯
 


‘તમને તમારા શેઠે આપ્યો એવો જ જવાબ અમારા શેઠે મને આપ્યોઃ પગાર માટે બૂમ મારવી હોય તો ઘેર જાઓ.’

'મને લાગે છે કે... એક શેઠ અને બીજા શેઠમાં બહુ ફેર નહિ હોય.. નાના મોટામાં પણ.'

'નફા ઉપર જ જેમનું જીવન રચાતું હોય એ આખો વર્ગ સરખો ! નાનામોટા કશો ભેદ જ નહિ.'

'જેમ નફાની તલપૂર આશા વગર ખોટમાં જ જીવતા આપણા વર્ગમાં પણ ભેદભાવ નથી તેમ ! હું અને તમે બન્ને સરખા !'

'એમ કહો તોય ખોટું નથી !... પરંતુ વર્ગની વાત કરીશું તો આપણને સામ્યવાદી ગણી પોલીસ આપણી પાછળ ફરશે ! વારુ, સમાચાર તો મારી પાસે મળે એમ નથી, જાહેરખબર એકાદ હું આપી શકું, પણ તે એક શર્તે.' કિશોરે કહ્યું.

'ગમે તે શર્ત હોય. એક જાહેરાત મળે તો મારાથી મારી ઑફિસમાં પાછા જવાય.'

'શર્ત એટલી જ... હું જાહેરાત આપું; તમારા તંત્રી મને બિલ મોકલાવી આપે. પરંતુ એ બિલનાં નાણાં ક્યારે ચૂકવાય તે હું કહી શકું નહિ.'

'હરકત નહિ; બિલનાં નાણાં ચૂકવાય ન ચૂકવાય એ ભવિષ્યનો પ્રશ્ન છે. એનું તો જે થાય તે ખરું. પરંતુ હું જાહેરાત લઈને જાઉં તો ઑફિસમાં મને પ્રવેશ મળે.' દર્શને કહ્યું.

અને કિશોર દર્શનને લઈ પોતાની ઓરડીમાં ગયો. એક-બે કારકુનોને બોલાવી તેણે પોતાના શેઠ તર્ફે એક સારી જાહેરાત લખાવી દર્શનને આપી.

દર્શન રાજી થયો. એના મનમાં એ વિજયઊર્મિ અનુભવી રહ્યો હતો. એને જાહેરાત તો જરૂર મળી - સારી મોટી જાહેરાત મળી... અને એના પૈસા પણ મળે ત્યારે સારા મળવાનો સંભવ હતો...એ પૈસા ન મળે તો...એ ભાવિની વાત ! અને ભાવિની ચિંતા કરી વર્તમાનમાં મળેલી સિદ્ધિથી નાખુશ થાય એવો સ્વભાવ દર્શને કદી કેળવ્યો ન હતો. જાહેરાતથી એને આનંદ થયો.

પરંતુ એ વધારે આનંદ તો એટલા માટે થયો કે તે જાહેરાત સાથે એક અત્યંત મહત્ત્વના સમાચાર પણ મેળવી શક્યો હતો ! કિશોરે જ અજાણતાં એ સમાચાર દર્શનને આપ્યા હતા. નગરના એક મહાન ધનપતિ પોતાનું કામ કરતા નોકરોને બે-ત્રણ માસથી પગાર આપતા ન હતા ! એમની