પૃષ્ઠ:Trishanku.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦: ત્રિશંકુ
 

મોટરકાર, મોજશોખ અને લંચ ચાલુ હતાં ! મોજશોખમાં સ્ત્રી ટાઈપિસ્ટને સેક્રેટરીપદ મળે – કામ કર્યા સિવાય ! અને કામ કરી દેહ ભાંગી નાખતા પુરુષ નોકરોને નોકરી છોડવાની ધમકી ! શેઠસાહેબે પોતાના વૈભવમાં કાંઈ ઓછું કર્યું હોત તો તેમના પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન જરૂર થાત; પરંતુ તેમને તો ફરિયાદ સાંભળવાનો પણ વખત મળતો ન હતો !

આવા પ્રસંગો ભલે રોજ-બરોજ બનતા હોય, છતાં આના કરતાં વધારે ચોંકાવનારો બીજો કયો પ્રસંગ હોઈ શકે ?

ધન ન હોય એમાંથી ગુના જાગે ! ધન હોય ત્યાં પણ ગુના જાગે !

ફેર એટલો જ કે ધનિકના ગુના સંસ્કારી માનવીની મોજ ગણાય અને . તેના ઉપર સ્મિત ફેરવાય ! ગરીબના ગુનામાં બદમાશી દેખાય અને કેદ તરફ દોરાય !

પત્રની કચેરીમાં આવી દર્શને એક જાહેરાત આપી દીધી અને વધારામાં ચોંકાવનારા સમાચાર તરીકે જગજીવનદાસ શેઠની નામ વગરની આખી હકીકત એણે રંગ પૂરીને લખી. વગર પગારની નોકરી જાય એવો એમાં સંભવ હતો જ; અને તંત્રી બીજા સમાચાર અને જાહેરાત. મેળવવા બહાર નીકળ્યા હતા તેનો લાભ લઈ તંત્રીસાહેબે જ આ સમાચાર છપાવવા મોકલ્યા છે એમ કહી આવી હકીકત તેણે પત્રમાં છપાવી દીધી !

અને સવારમાં પત્ર આઠ-નવ વાગ્યે બહાર પડ્યું ત્યારે પત્રના મહાન તંત્રી સુખલાલ ચોંકી ઊઠ્યા. કોને માટે આ હકીકત લખાઈ છે એ તેમની જાણ બહાર ન હતું. છતાં હજી પગભર ન થયેલા, ધનિકોની જાહેરાતો ઉપર આધાર રાખી રહેલા અને શેઠશાહુકારોની મહેરબાની ઉપર આગળ વધવાની આશા રાખી બેઠેલા તંત્રીને પૂરો ભય લાગ્યો કે જગજીવનદાસ શેઠ આ પત્ર ઉપર બદનક્ષીની ફરિયાદ માંડ્યા વગર રહે જ નહિ ! પરંતુ કમાનમાંથી તીર છૂટી ગયું હતું ! એમનો રોષ હવે એક જ રીતે ઊતરી શકે. દર્શન રોજના સમયે પત્રની કચેરીમાં આવ્યો એટલે સુખલાલે તેને કહી દીધુંઃ

'દર્શન ! તને નોકરીમાંથી બરતરફ કર્યો છે ! આજથી તારે અહીં પગ ન મૂકવો.'

'કારણ, સાહેબ ?'

‘આ લેખ-સમાચાર તેં આપ્યા છે ને ? મને પૂછ્યા વગર ?'

'હા જી. સાચી વાત હતી.. અને આપણા પત્રનું નામ તો