પૃષ્ઠ:Trishanku.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફરી મળતી નોકરી: પ૩
 

પરવાનગી મળતાં જ બારણું ખૂલ્યું અને તારા તથા નાની શોભા બન્નેએ દર્શનની ઓરડીમાં પ્રવેશ કર્યો. શોભાના હાથમાં નાનકડી થાળી અને વાડકો પણ હતાં.

'આઈએ આઈએ ! પધારિયે.' દર્શને કહ્યું.

'અરે, શું પધારિયે ! સવારે માએ કેટલી રાહ જોઈ ! તમે દેખાયા જ નહિ ને? જમવાની હા પાડી હતી છતાં.' શોભા બોલી ઊઠી.

'વહેલાં સવારે મારે કામે જવું પડયું, એટલે શું કરું? પછી કામમાંથી છૂટી શક્યો નહિ. અને શોભા ! તારી જીભ પણ તારી ફોઈની કેળવણી પામે છે, ખરું ?' દર્શને જવાબ આપ્યો.

'મારી જીભ તમને નથી ગમતી શું ?' તારાએ પોતાનો ઉલ્લેખ થતાં વિરોધ નોંધાવ્યો..

'નહિ નહિ, છેક એમ તો નહિ. છતાં ઘણી વખત થાય છે કે કોઈ પણ સ્ત્રી બોલે નહિ તો જ બહુ સારી લાગે.... એક સરલાભાભી સિવાય. એ તો બોલે છે ત્યારે અમૃત વરસે છે... અને હા... તારામતી ! તમે પણ બોલો છો ત્યારે... દર્શને સહજ સ્મિત કરી કહ્યું. એના બોલને અર્ધેથી કાપી નાખી તારાએ જવાબ આપ્યો :

'મારે તમારા પ્રમાણપત્રની જરૂર નથી ! આ લ્યો, સરલાભાભીએ આટલી વાનગી મોકલી છે, તમારે ચાખવા માટે.’ અને શોભાને ઈશારત કરતાં શોભાએ થાળી-વાડકો ખુલ્લા કરી દર્શનની પાસે મૂકી દીધાં, અને દર્શનની સામે જ એક ફાટેલી ચટાઈ ખેંચી લાવી તારા અને શોભા તેની ઉપર બેસી ગયાં. દર્શન બેઠો હતો એ ચટાઈ હવે નિવૃત્ત થવા માગતી હતી. થાળી-વાડકા તરફ નજર કરી દર્શને પૂછ્યું :

'તે ચાખવા માટે છે ? આ તો મારે માટે અઠવાડિયું ચાલે એટલો ખોરાક થઈ ગયો ! આટલું બધું ન જોઈએ.'

‘પણ માએ તો કહ્યું છે કે તમને જમાડીને જ અમારે આવવું, સવારના ભૂખ્યા જ છો ને ?'

'ભૂખ્યું તે કોઈ રહેતું હશે... કેવી સરસ હોટેલમાં મેં બ્રેકફાસ્ટ અને લંચ...અને ત્રીજા પહોરની "હેવી ટી” પણ લીધાં છે.' દર્શને શોભાને કહ્યું.

'શોભા, તું જા. આ જુઠ્ઠા માણસને જમાડયા સિવાય હું પાછી આવવાની જ નથી. ભાભીને કહેજે કે હું આગ્રહ કરવા બેઠી છું.' તારાએ કહ્યું અને ફોઈની આજ્ઞા પ્રમાણે શોભા આ ખુશખબર કહેવા દોડતી ઓરડી બહાર ચાલી ગઈ.