પૃષ્ઠ:Trishanku.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફરી મળતી નોકરી: પપ
 

‘મને આ તમારું ટાઇપિંગ ન શીખવો ?'

'કેટલાં વાનાં શીખવાં છે ? પુસ્તકો તો શીખવાનાં હોય જ ! સિતાર દીઠો એટલે એ પણ શીખવો જ ! હવે ટાઈપિંગ ! મારી બધી જ આવડત તમે ઊંચકી લેશો એમ લાગે છે.’

‘તોયે શું ? ભલે બીજું કાંઈ ન શીખવો, મને ટાઇપિંગ પહેલું જ શીખવી દો.'

'એની કેમ ઉતાવળ? એટલી બધી ?” દર્શને પુછ્યું.

તારા જરાક ગંભીર બની ગઈ. પ્રશ્નનો જવાબ આપવો કે ન આપવો એની ખેંચાખેંચીમાં પડેલી તારાએ અંતે ગંભીરતાથી કહ્યું.

'જુઓ, દર્શન ! બીજા કોઈને કહેશો નહિ. પણ ટાઈપિંગ આવડે તો નોકરી વહેલી મળે ને ?'

‘નોકરી ? હું ટાઇપિંગ શીખ્યો જ છું, છતાં મારી નોકરી ગઈ છે !'

'પણ જુઓ ને, જાહેરાતોમાં ટાઇપિસ્ટ છોકરીઓની માગણી આવે છે; અને હું સાંભળું છું કે છોકરીઓને આવી નોકરીઓમાં પહેલી પસંદગી મળે છે.'

‘પરંતુ તમારું ભણતર તો પૂરું થવા દો ! હજી તે પૂરું થતાં વર્ષ બે વર્ષ લાગશે.'

‘દર્શન ! મારે ભણતર સાથે કમાણી પણ કરવી છે.'

‘તમારે ?' ચકિત થઈને દર્શને પૂછ્યું.

‘હા, મારે. પણ ભાઈને કે ભાભીને કહેશો નહિ, હો !:. વારુ, હવે જમી લો.

'ભૂખ લાગે એવા નહિ; પણ ભૂખ ભાંગી જાય એવા બનાવો બન્યે જાય છે. ઠીક, તમે જાઓ; હું જમી લઈશ.’

'હું શી રીતે જાણીશ કે તમે જમ્યા છો ?'

'મારો વિશ્વાસ નથી ?' દર્શને પૂછ્યું.

'ના, મને હવે કોઈનો વિશ્વાસ નથી. તમારા સિતારના સોગન લો..' તારાએ કહ્યું.

‘સિતારના સોગન ! અને વધારામાં જમી રહ્યો છું એવી ખબર પણ આપીશ.'

'શી રીતે આપશો ?'

'કહો તો કહી જાઉં, જાતે આવીને.'

'એના કરતાં તમે સિતાર જ વગાડજો ને, એટલે હું જાણી લઈશ.'