જરૂરી કામ માટે ઝડપથી તારાને બોલાવી લાવવા કહ્યું અને તેણે પોતાનું ટાઈપરાઈટર સાફ કર્યું. તારાની રાહ જોવા છતાં ધાર્યા પ્રમાણે તારા આવી નહિ એટલે દર્શને પોતાના સંકટના સાથી સિતારને વગાડવા માંડ્યો. સાયંકાળ પ્રસરતો હતો, અને સિતારનો ઝણઝણાટ પણ સ્થિર બનતો હતો. એકાએક દર્શનને ફરીથી તારા યાદ આવી, અને તેણે સિતારને બાજુએ મૂકી ઊભા થઈ પોતાનું ખાલી બંધ બારણું ઉઘાડી નજર કરી.
તારા ભીંતે અડીને સિતારને સાંભળવામાં લીન બની ગઈ હતી તે હવે જાગૃત થઈ ગઈ. બંનેએ એકબીજાને જોયાં. તારાએ કહ્યું :
'આખો દિવસ અને રાત તમારે સિતાર જ વગાડવાનો ! તો મને બોલાવી શું કામ ?'
‘તમારી કેટલી રાહ જોઈ એ ખબર છે? તમે આવો નહિ તો હું બીજું શું કરું ?'
'પણ હું તો ક્યારની બહાર ઊભી રહી છું?'
'બારણે ટકોરા કેમ ન માર્યા ?' દર્શને તારાને ઓરડીમાં લેતાં કહ્યું.
‘પાછો તમારો તાલ-સૂર તૂટે ત્યારે ?... કહે છે કે સંગીતકારો બહુ વિચિત્ર સ્વભાવના હોય છે ! ખરી વાત ?'
'બધા જ કલાકારોમાં ઘેલછા તો ખરી જ... પણ હું તો હજી શીખું છું. હું કલાકાર નથી.'
'જેમ જેમ આવડશે તેમ તેમ ઘેલછા વધતી જશે, નહિ ?... વારુ, મને કેમ બોલાવી ?' સહજ હસીને કલાકારોની ટીકા કરતી તારાએ પૂછ્યું.
‘તમને એક જરૂરી વાત કહેવા બોલાવ્યાં છે. તમારી પરીક્ષા થોડા દિવસમાં શરૂ થશે. તમારે હવે બહુ વાંચવાનું પણ બાકી નથી. તમે થોડું થોડું ટાઇપિંગ ન શીખો ?... તમે તે દિવસે કહ્યું હતું ને ?' દર્શને તારાને વાત સંભારી આપી.
'હા. ટાઇપિંગ શીખવાનું મન તો છે. ક્યારથી શીખવશો?' તારાએ જરા આશ્ચર્ય પામી પૂછ્યું.
'અત્યારથી જ.' દર્શને કહ્યું.
'એમ? પણ એ આવડશે ક્યારે ?'
‘શીખવા માંડો તે ક્ષણથી જ આવડવા માંડ્યું માનજો પહેલો અક્ષર પડે એટલે અડધું શિક્ષણ પૂરું થાય.'
'એમ નહિ. પગાર મળે એવું ક્યારે આવડશે ?'
'આજથી જ. જુઓ, શરૂ કરો...' આમ કહીને દર્શને ટાઈપરાઈટર