પૃષ્ઠ:Trishanku.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાહ્ય ચમકનો ચિરાતો પડદો: ૭૧
 

અવનવું રસભર્યું દૃશ્ય ધનપાલ સામે પ્રકટ થયું. એ દૃશ્યમાં કોઈ સૌંદર્યસંપન્ન નર્તકી હાવભાવસહ ગીત ગાતી હતી અને ગીતના ભાવને શોભે એવું ઉદ્દીપક નૃત્ય પણ કરતી હતી. જોનાર, સાંભળનાર શોખીનો મસ્તીમાં આવી ડોલતા હતાં. અને નોટ કે રૂપિયા ફેંકી વચ્ચે વચ્ચે ઊઠી જતા હતા. ઘડિયાળમાં બારના ટકોરા વાગ્યા અને આખી શોખીન મંડળીમાંથી એકલા ધનપાલ શેઠ જ બેસી રહેલા દેખાયા. નર્તકીએ ગીતનૃત્ય બંધ કર્યું, તબલચી અને સારંગિયા ધનપાલને સલામ કરી ત્યાંથી ખસી ગયા. સ્મિતભરી નર્તકી ધનપાલની સાથે, ધનપાલને અડીને બેસી ગઈ. અને એ પરપોટા દૃશ્ય ફૂટી ગયું.

પરંતુ એ દૃશ્ય કોણ જાણે કેમ દર્શનની નજરે ચઢ્યા વગર રહ્યું નહિ ! એ જ ક્ષણે જગજીવન શેઠથી પણ બોલાઈ ગયું :

'ડરવાનું કંઈ કારણ નથી, એવાં ચીથરાંમાં !'

પરંતુ એટલું બોલી રહે તે પહેલાં તો તેના શરબતના પ્યાલામાંથી એક ચિત્રપટનું પ્રેક્ષકગૃહ અંધકારભર્યું આછું આછું દેખાયું. એ અંધકારમાં એ પુરુષ અંધકારનો લાભ લઈ પાસે બેઠેલી યુવતીનો હાથ પકડી પંપાળતો હતો. યુવતીએ એમાં કાંઈ વાંધો લીધો નહિ. એકાએક ચિત્રપટનું દૃશ્ય પૂરું થતાં અંધકાર ઓસરી ઝગઝગાટ અજવાળું થયું અને યુવતીનો હાથ પંપાળતા પુરુષમાં જગજીવનદાસ શેઠ ઓળખાઈ આવ્યા. અલબત્ત અજવાળામાં બંનેએ હાથ ખસેડી લીધા, પરંતુ તેમની પાછળ બેઠેલા એક યુવક તરફ દૃષ્ટિ કરતાં જગજીવન શેઠને લાગ્યું કે તે તેમની ચેષ્ટા કદાચ જોઈ ગયો હોય. હસીને એ યુવકે શેઠને પૂછ્યું પણ ખરું:

'બહુ જ ચોટદાર પ્રેમદૃશ્ય હતું ! નહિ ?'

‘તમને જે લાગ્યું તે ખરું.' જગજીવન શેઠે જરા ઝંખવાઈને જવાબ આપ્યો.

'મને તો જે લાગ્યું એ ખરું જ. પરંતુ તમને અને તમારાં પત્ની...'

યુવકે કહ્યું. તેને બોલતો અટકાવી જગજીવન શેઠે સહજ ઉગ્રતા દર્શાવી કહ્યું :

'આ મારાં પત્ની નથી... મિત્ર છે - સ્ત્રીમિત્ર !'

'એમ ? હવે સમજ્યો. તેથી આ કરુણ દૃશ્યમાં તમારે તમારી સ્ત્રીમિત્રનો હાથ પકડી લેવો પડયો, નહિ ?' એમ બોલતા યુવકના આછા હાસ્યમાં પ્યાલામાં દેખાયેલું સિનેમાદૃશ્ય એકાએક ઓસરી ગયું. એ દર્શન