પૃષ્ઠ:Trishanku.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
 
નીચલા થરમાં ત્રિશંકુ
 

તારા જે ક્ષણે દર્શનની ઓરડી છોડી પોતાની - પોતાના ભાઈની ઓરડીમાં જતી હતી તે વખતે છના ટકોરા કોઈ ઘડિયાળમાં પડતાં તેણે સાંભળ્યા. આજે ભાઈના પગારનો પણ દિવસ હતો અને તારાને પોતાને પણ અંગત પગારનું નાનકડું સ્વરૂપ દેખાયું હતું પરંતુ હજી સુધી જગજીવન શેઠની કચેરીમાં બેસી રહેલા તેના ભાઈ કિશોરને તેનાં પગારનાં દર્શન થયાં ન હતાં. પોતાની ઓરડી – જેને નવા યુગમાં ઑફિસરૂમ કહેવી જોઈએ તેમાં તારીખદર્શક કેલૅન્ડર સામે તેણે જોયું. અને આવા કંઈક પસાર થયેલા અને પસાર થનાર પગારદિનોનું ચિત્ર કલ્પના સામે ચિતરાઈ રહ્યું. ત્રીસ એકત્રીસ દિવસનું ભારણ આખા આજના દિવસ ઉપર ! એના ઉપર કેટકેટલી આશા અને કેટકેટલી નિરાશા લટકતી હતી ? પગારદિન કંઈ વધારે પગાર તો લાવવાનો હતો જ નહિ. છતાં એની સામે નજર નાખી બેસવાનું સહુએ ! એટલામાં એની ઘડિયાળમાં પણ છનો ટકોરો થયો. વધારે કામ ન હોય ત્યારે છનો ટકોરો ઑફિસમાંથી તેને જવાની સૂચના કરતો હતો. નિત્યની ટેવ પ્રમાણે કિશોરે પોતાનો કોટ પહેરી લીધો.

ઑફિસમાં કોટ કાઢીને કામ કરવું એ દક્ષતા અને મહેનતનું સૂચક છે. ખરું જોતાં તેણે કોટ પહેરીને બહાર નીકળવાનું હતું પણ તેણે કોટના ખિસ્સામાં હાથ નાખ્યો અને તેમાંથી સિગારેટ-લાઈટર બહાર કાઢ્યું. બહાર કાઢી તેની સામે નજર કરતાં જ તેણે આછું સ્મિત કર્યું. છેલ્લી સિગારેટ તેણે ગયે મહિને પીધી હતી. ખર્ચ ઘટાડવા માટે તેણે ગયે મહિનેથી સિગારેટનો શોખ મૂકી. દીધો હતો. એણે લાઈટરને પાછું ખિસ્સામાં નાખ્યું અને વંચાઈ ગયેલા ન્યુઝપેપરને તેણે ફરી હાથમાં લીધું અને આંખને પેપર ઉપર ફેરવવા માંડી. નવી કોઈ વસ્તુ તેને પેપરમાં જડી નહિ એટલે એણે જાહેરખબરો જોવા માંડી. એમાં પણ તેને રસ પડ્યો નહિ. એણે વર્તમાનપત્રને બાજુએ મૂકી ખાલી હાથને રમાડવા માંડ્યા. અને વારંવાર કોઈની રાહ જોતો હોય તેમ બારણા તરફ નજર ફેરવવા લાગ્યો. પા પા કલાકે વાગતી ઘડિયાળે સવા છનો ટકોરો વગાડ્યો, અને બારણું ઉઘાડી ઑફિસનો કૅશિયર તેની ઓરડીમાં આવ્યો. કિશોરના હૃદયમાં આછા આનંદની લકીરે પ્રવેશ કર્યો અને