'મામાજી ?'
'હા, ઓ બહાર ઊભા. મારી સંગાથે આવેલ છે.'
થોડી ઘણી લાજ કાઢીને ભદ્રા બહાર ગઈ. એણે આ અંધ ડોસાને એક લાકડીભર ઊભેલો જોયો. એની બંધ આંખો આકાશ તરફ હતી. એ તો પગલાં પારખી ગયો. એણે ભદ્રાની બાજુએ જોયા વગર જ તૂર્ત પૂછ્યું : ' કેમ છો બેટા ? દેવુએ કજિયો કર્યો કે અમદાવાદ જોવા જવું છે. એટલે હું સાથે આવેલ છું.'
'દેવુ, કહે મામાજીને, અંદર આવે.'
ભદ્રા પોતાના દિયરની પ્રકૃતિથી બીતી બીતી પણ એ અંધ ડોસાને અંદર લઈ આવી. ડોસો એક પાછલો ખૂણો શોધીને લપાઈ બેસી ગયો. પૃથ્વીમાં પોતાને કૂતરાને લપાવા જેટલી પણ જગ્યા જડી જાય તો યે પૃથ્વીનો હરદમ ઉપકાર ગાયા કરે એવા પ્રકારના માનવીઓ આ વિશ્વમાં ઘણા છે. અંધા મામાજી અંદરખાનેથી એવો આભારભાવ અનુભવતા બેઠા. પોતે જોઇએ તેથી વિશેષ તો એક તસુ પણ જગ્યા નથી રોકતો ને, તેની તેણે સંકોડાઇને ખાતરી કરી લીધી.
પિતાના ઓરડામાં પ્રવેશવાની હિંમત દેવુ ન કરી શક્યો. બાપ પોતાને કોઈ છે જ નહિ, પુત્ર તરીકેનો એનો દાવો કુદરતે જ જાણે રદ્દ કરેલ છે, પોતાની મૂવેલી બા કશોક એવો ગુનો કરીને ચાલી ગઇ છે કે જેની શિક્ષા પોતાને પિતૃહીન બનીને ભોગવવાની છે, આવી આવી લાગણીએ દેવુના અણસમજુ હૃદયમાં પણ વાસ કરી લીધો હતો.
'આ લે દેવુ,' ભદ્રાએ કહ્યું : 'તારા બાપુને જો તું આ ચાનો પ્યાલો પાઇ આવે ને, તો હું તને બહાદુર કહું.' ભદ્રાબાએ દેવુને ચહા કરીને દીધી.