આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૬ : તુઅલ્સી- ક્યારો
પતિગૃહ ત્યજાવીને ભાસ્કરે કંચનને તે જ દિવસથી શહેરના 'આશ્રય-ધામ'માં મૂકી દીધી હતી. બંડ કરનારી, જુલ્મોમાં સપડાયેલી, અન્યાય સામે શિર ઊંચકીને નાસી છૂટનારી સ્ત્રીઓને માટે 'આશ્રય-ધામ' શરણાગતિનું સ્થાન હતું.
'આપણે થોડું ફરીને જઈએ.'
'મોડું થાય. નાહક ત્યાં સૌ વહેમાય.'
'ન જ વહેમાય. તું ક્યાં બીજા કોઈની સાથે છે? મારી સાથે છે ને ! મારી સાથે આવનાર ઉપર જે વહેમાય તેની ખબર કેમ લેવી તે હું જાણું છું. ચાલ તું તારે.'
એમ કહીને કંચનના બરડા પર ફરી હાથ થાબડનાર ભાસ્ક્સર હસ્યો. એ હાસ્યથી આસોપાલવના પાંદડા જાણે હલી ઊઠ્યાં, ને એ હાસ્યથી પેલો ખૂણામાં લપાયેલો છોકરો દેવુ સવિશેષ સંકોડાયો.