પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરની શક્તિ : ૧૨૭


રાણી કે સિદ્ધરાજની, એટલું કંચનને યાદ નહોતું. અમૂક તલાવડી મીનલદેવીએ કયા સંજોગોમાં બંધાવી એની વાતને કંચન પાસે કોણ વધુ રસભરી રીતે મૂકી શકે છે તેની આ યુવાનો વચ્ચે સરસાઇ ચાલી રહેતી ત્યારે કંચન એ વાતના દોરને, પોતાની પડી ગએલી 'હેર-પીન'ની શોધે જવાની વાત વડે તોડી નાખતી.

એવી કંચનને કદમે ઝૂકવા આવેલા આ જુવાનોને ભાસ્કરે બહાર આવી તે દિવસે મક્કમ સ્વરે કહી દીધું : 'આજે એનું શરીર સારું નથી, ચક્કર આવે છે. નહિ આવી શકે.'

અંદર આવી તેણે કંચનને કહ્યું, 'બારીમાંથી જોવાનું નથી. ને શણગાર ઉતારી નાખ.'

માથામાં ગુલાબના મોટા ફૂલ જેવડા પહોળા બબે અંબોડા લઈને તેની અંદર જે વીશ-પચીશ ઝીણાં મોટાં વાનાં-ચગદાં, ચીપીઆ, વેણી, ફૂમકું વગેરે- કંચને ઘાલેલ હતાં તે તમામ એક પછી એક બહાર નીકળીને ભોંય પર ઢગલો થયાં હતાં, ને ભાસ્કર ખુરસી પર બેઠો બેઠો એનાં જાડાં ભવાંની છાજલી હલાવતો હલાવતો, આ શણગારની પોતે મેળવેલી ખુવારીને કોણ જાણે કેવા યે આનંદે જોતો હતો.

'આંહી જ રહેવાનું. હું આવું છું.' જાડાં ભવાંને ઝીણી આંખો ઉપર વધુ ઢળતાં મૂકીને ભાસ્કરએ, શણગાર ઉતારી રહેલી કંચનને કહ્યું.

કંચનના મનમાં 'ના, નહિ રહું' એવો ધગધગતો જવાબ હતો. પણ એ શબ્દો હોઠે આવીને બદલી ગયા, ટૂંકું ને ટચ રૂપાન્તર પામ્યા : 'હો'

ભાસ્કરનાં ચંપલો એ સંધ્યાનાં અંધારામાં ચટાક ચટાક દૂર ગયાં, વિલય પામ્યાં, તે પછી કંચને દાંત ભીંસ્યા, દિલની કમજોરીને ભીંસી