૨૬૦ : તુલસી-ક્યારો
'હશે !'
'મેં કહ્યું કે હવાફેર કરવા દેશમાં ચાલો, તો કહે વીરસુતની રજા જોઈએ.'
'તમારે શા માટે એ વાતમાં ઊતરવું જ જોઈએ ?'
'ના-એમ કાંઇ નહિ- મારે તો કંઇ નથી - પણ-નરમ ઘેંસ જેવી થઇ ગઇ છે હો ભાઈ ! ને તારો જનમારો આમ એકલ પંડે ક્યાં સુધી કપાશે ?'
'બાપુજી, એની વાત પર ચોકડી મારો.'
'એકડો મૂકી શકાય એવી મને આશા છે ભાઇ !'
'વધુ વાત નથી કરવી. આંહીં હમણાં જ પોલીસ અમલદાર અવેલો. તેણે શું કહ્યું ખબર છે ?'
'શું ?'
'ભયાનક ! બાપુજી, છેટે રહેજો એ સ્ત્રીથી, નીકર ફસાઇ પડશો.' વીરસુતે પોતાના બે હાથનો ખોબો વાળી મોં પર ઢાંકી દીધો.
'પણ શું છે એવડું બધું.'
'એને ઓધાન છે ચાર મહિનાનું. ને એ પડાવવા મથે છે.'
વૃદ્ધનું મસ્તક, ગરદન પર કોઇકે ઝાટકો લગાવ્યો હોય તેમ, છાતીએ ઢળ્યું.
એકાએક આંખો પરથી હાથ ઉઠાવી લઇને વીરસુતે ઊંચે જોયું. એના મોં પર કુટિલ ઉલ્લાસ હતો. એ ઊભો થઇ ગયો. એણે ખીંતી પરથી કોટ ઉતારી પહેરવા માંડ્યો.