પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કંચનને હમેલ ! : ૨૬૧


'ક્યાં જવું છે ભાઇ ?' પિતાએ ચિંતાભેર પૂછ્યું.

'વકીલ પાસે. હવે મોકો આવી ગયો બાપુજી ! મારા છુટકારાની ઘડી આવી પહોંચી. હું એની સાથેના લગ્નબંધનથી હવે કાયદાની મદદ લઈ છૂટો થઈ શકીશ. છુટાછેડાનો કાયદો જે એક જ વાત માગે છે તે મને મળી ગઈ.'

'ઊભો રહે, જરા થોભ. થોડી વાર હેઠો બેસ ભાઇ !'

'શું છે, કહો. '

'આપણે વિચાર કરીએ.'

'વિચાર તો હું એક વર્ષથી કરતો હતો.'

'એક બે દિવસ વધુ વિચાર કરીએ. આનાં પરિણામ વિચારીએ. આમાં કોની જાંઘ ઉઘાડી થાય છે, આપણી પોતાની કે બીજા કોઇની, તે વિચારીએ.'

'સડેલી જાંઘ હરકોઈની હોય, આપણી પોતાની હોય તો પણ ઉઘાડી કર્યે જ આપણું શ્રેય છે.'

'તારી ભૂલ છે ભાઇ ! સડેલી જાંઘના ભવાડા ને દેખાડા ન કરાય. એના ઉપચાર એકાંતે અને ગુપ્તપણે જ શોભે.'

'હું આવાં લગ્નોની આખી સંસ્થા પર જ આક્રમણ કરવા માગું છું, બાપુજી ! હું મારી જાતને જ દૃષ્ટાંત બનાવીને સૌને ચેતવનાર છું. આ સ્વયંવરની માછલાંજાળ, આ મિત્રધર્મની હરામખોરી, આ મુક્ત જીવનની દાંભિકતા, એ તમામને હું ઊઘાડાં પાડીશ.'

'રહેવા દે ભાઇ, રહેવા દે, એ વીરતા અહીં ઘરની અંદર જ સારી છે. દુનિયા વચાળે જઇને જેવો તું ઊભો રહીશ ને, તેવાં જ