૨૮૪ : તુલસી-ક્યારો
કામમાં રસ ન લેત, મારા ધરમના સોગાન ખાઈને કહું છું હો સાહેબ, મને આવી બાબતનો શોખ નથી. પણ હું તો ઉલ્લુ બની બેઠો.'
'શાની વાત કરો છો ?'
'આપનાં વાઇફની જ તો ! બીજા કોની ? જે દિવસે એ આંહીંથી આપના ડોસા જોડે આપને ગામ ગયાં......'
'શું કહો છો તમે ?'
'હજુ ય મશ્કરી કાં કરો સાહેબ ? તે દિવસે તે ટ્રેનમાં જ હું તો ચડ્યો, આપને ગામ પહોંચી આપના પિતાને વળતે દા'ડે મળ્યો અને વાત કાઢી ત્યાં તો ડોસા મારી માથે કાંઇ ઊતરી પડ્યા છે ! મારા તો માથાના વાળ જાણે ખરી પડ્યા એટલા મને લેતા પડ્યા, કે જોતો નથી, હું મારા ઘેર પહેલા પ્રથમનો અવસર આવે છે તે ઉજવવા આંહી આવેલ છું ! હું તો માફ માગી પાછો નહાસી આવ્યો, પણ ડોસાએ ઉપરમાં લખાણ કરી મને એક હાથ લાંબા તુમારીઆનો સરપાવ બંધાવરાવ્યો મારા સાહેબ કનેથી .'
વીરસુતને એ આખી વાત પોલીસે જોડી કાઢેલી પરીકથા લાગી, એના મોં પરની એકેય રેખા પોચી ન પડી. એ કશો જવાબ વાળે તે પહેલાં તો અમલદાર ઊઠ્યો અને બોલ્યો, 'રજા લઉં છું સાહેબ, પણ આવી આકરી મશ્કરી કોઇની ના કરશો હું તો જિંદગાનીમાં પહેલી જ વાર ભરાઈ પડ્યો.'
'ભાભી !'એણે જમ્યા બાદ પાછલી પરસાળમાં પાન સોપારી દેવા આવી ઊભેલી ભદ્રાને પૂછ્યું, 'આ સાચી વાત છે ? કંચનને બાપુજી ઘેર તેડી ગયેલ છે?'
'હા ભૈ, તુળસીમાએ સંધાં સારાં વાનાં કર્યાં. ભૈ ! ઇશ્વરે સામું જોયું.'