'દેવુને માટે મેં એક કન્યા ગોતી રાખી છે. દેવુને તો ખબર પડવા દીધી નથી. બાપુજીને પણ મારે કોઇક દિવસ એ ક્ન્યા બતાવીને ચમકાવવા છે. અત્યારે તો હું ભદ્રા ભાભીને પણ કહી દેતી માંડ માંડ મહાપ્રયત્ને બચી છું. પણ એ કન્યાને માટે થઇને મેં એનાં માવતર સાથે ખૂબ સંબંધ કેળવવા માડેલ છે. ભલે ને છ વર્ષ પછી વેવિશાળ કરીએ ! તમે આવો તો હું તરત બતાવું.
'યમુના બહેનને તેડવા એના વર કોણ જાણે ક્યાંથી ઓચીંતા ફાટી નીકળ્યા ! આવીને કહે એ ગાંડી હશે તો યે હું મારાં આંખ માથાં પર રાખીશ. કોણ જાણે કેમ થયું તે ત્રણ દિવસમાં આંહીં બેઉનાં મન મળી ગયાં, તો પણ બાપુજી જમાઇને કહે કે એમ હું નહિ ફસાઇ જાઉં. તું અહીં એક મહિનો મારા ઘરમાં રહે, ને હું ઝીણામાં ઝીણું પણ દુઃખ જો ન જોઉં તો જ મારી યમુનાને મોકલું. કારણ કે કોને ખબર હું મારી યમુનાના જ પ્રારબ્ધનું ખાતોપીતો હઇશ તો ! યમુનાને હું ધકેલી મોકલું ને પાછળથી મારા ઘરમાંથી સૌભાગ્યદેવી પણ પલાયન કરે તો ? માટે નહિ મોકલું : બડકમદાર ! બડકમદાર શબ્દ તો બાપુજી ડગલે ને પગલે બોલે છે હો ! એને એ બોલ સાંભળવા તો આવો. તમે ગમે તેટલું મથો તોય બાપુજી જેવું 'બડકમદાર' ન જ બોલી શકો ને ? જો બોલી શકો ને, તો તમે કહો તે હારૂં ! ઠીક ઠીક, હું તો ઘેલી બીજી વાતે ચડી ગઇ. એક મહિને બાપુજી સંતોષ પામ્યા. ને યમુના બહેને વિદાય લીધી ત્યારે અમારાં કોઇનાં હૈયાં હાથ નહોતાં રહ્યાં. એણે તો જતાં જતાં તુલસીનો ક્યારો આંસુડે ભર્યો હતો.
'ભદ્રા ભાભી કોઈ કોઈવાર શૂન્યકાર બની જાય છે, ને ગણ્યા કરે છે : એક, બે, ત્રણ , ચાર, પાંચ ને છ. મને લાગે છે કે તમને ગયાને જેટલા મહિના થયા તે પોતે ગણે છે.